મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ પર હુમલાના બનાવો બન્યા છે તેવી રીતે એક બનાવમાં એલઆરડી (લોક રક્ષક દળ)ના જવાનને ત્રણ શખ્સો દ્વારા માર મારીને તેનો મોબાઈલ લૂંટી લીધો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શંકાસ્પદ લાગતા કેટલાક શખ્સોનો પીછો કર્યો હતો. જેને કારણે જવાન પર ગુસ્સે ભરાયેલાઓએ જવાન પર તુટી પડીને માર મારી લૂંટી લીધો હતો.

ચાંદલોડિયા ખાતે રહેતા પ્રકાશ ગોહિલ દોઢ વર્ષથી વસ્ત્રાપુર પોલીસ મથકે એલઆરડી તરીકે ફરજ બજાવે છે. ગત રોજ તે પોતાના ઘરેથી ચાંદલોડિયા બ્રીજ પાસે ચા પીવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ગ્રામ પંચાયત પાસે ત્રણે શખ્સો તેમને થોડા શંકાસ્પદ લાગ્યા અને આ ત્રણ શખ્સો બાઈક પર ત્રણ સવારી ફૂલ સ્પીડમાં ત્યાંથી નિકળ્યા હતા. તેમને શંકા જતાં તેમણે પણ ત્રણેયનો પીછો કર્યો હતો.
આગળ શનિદેવ મંદિર પાસે આ શખ્સો એક એકાંતમાં બાઈક ઊભું કરી દીધું હતું. પ્રકાશ ગોહિલે મોબાઈલ દ્વારા બાઈકના નંબર પ્લેટના આધારે ખરાઈ કરવા તપાસ શરૂ કરી તો ત્રણેય શખ્સો ભડક્યા હતા.

આ શખ્સો પ્રકાશ ગોહિલ પર તૂટી પડ્યા અને પીછો કેમ કર્યો તેમ કહી તેમની સાથે ઝપાઝપી કરીને ફોન લૂંટી લીધો હતો. પ્રકાશ ગોહિલે પણ તેમની સામે પડકાર ફેંક્યો જેથી ગભરાયેલા શખ્સોએ તેમના પર પથ્થરોથી હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયા. તેમણે આ સંદર્ભે કંટ્રોલ રૂમને જાણ કરી તો ઘાટલોડિયા પોલીસ ત્યાં દોડી આવી હતી. આ શખ્સો ચાંદલોડિયા બ્રિજ તરફ ભાગ્યા હતા. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.