પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પોલીસના શરિર ઉપર રહેલા ખાખી રંગની વિશેષ જવાબદારી છે, ખાખીને લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું અને પ્રજાને સુરક્ષાનો અહેસાસ અપાવવાનો હોય છે, પરંતુ પોલીસ અધિકારીઓના પોસ્ટીંગની સત્તા રાજકારણીઓ પાસે હોવાને કારણે રાજકારણીને વાંધો પડે ત્યારે પોલીસનું જાહેરમાં અપમાન કરતા ખચકાતા નથી. મોટા ભાગના પોલીસ અધિકારીઓ બદલીના ડરે પોતાના સ્વમાનને ગીરવે મુકી અપમાન ગળી જતાં હોય છે, આવી જ ઘટના બે દિવસ પહેલા જુનાગઢમાં પણ ઘટી હતી, એક આરોપીને પકડવા ગયેલી પોલીસને ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશીએ પોલીસ અધિકારીને કહ્યું કે તાકાત હોય તો વર્ધી ઉતારી મારી સામે આવો જેનો વીડિયો પણ વાયરલ થયો ખરેખર કોઈ પણ માણસની શારિરીક તાકાતની અહિંયા વાત નથી. જેના શરિર ઉપર ખાખી છે તેને લોકોની રક્ષા કરવાની વિશેષ તાકાત દેશે આપી છે, પણ જ્યારે કોઈ વ્યકિત ખાખીની તાકાતને પડકારે તેને પોલીસે ખરેખર ખાખીની તાકાત શું છે તે બતાડી દેવી જોઈએ કમનસીબી કે જુનાગઢ પોલીસ તેવું કરી શકી નહીં. ઉપરાંત અમદાવાદમાં પણ બાપુનગર પોલીસને એક ભાજપના નેતાએ પડકારી હતી જોકે ભાજપે બાદમાં તેને સસ્પેન્ડ કર્યો હતો. 1997-1998માં આવી જ ઘટના અમદાવાદના નવા વાડજમાં વિસ્તારમાં ઘટી હતી ત્યારે પોલીસને જાહેરમાં ભાંડનાર તે સમયના ભાજપના ધારાસભ્ય યતીન ઓઝાના શું હાલ થયા તે ખુદ યતીન ઓઝા પણ આજે ભુલી શકતા નથી.

આપણે ત્યારે પોલીસ સબઈન્સપેકટરથી લઈ એસપી કક્ષાના અધિકારીની બદલીમાં ધારાસભ્ય સહિત નેતાઓની ભૂમિકા હોય છે. જેના કારણે ધારાસભ્ય અને નેતાઓ ધારે તેવો વ્યવહાર લોકો અને પોલીસ સાથે કરે છે, આ વાત છે જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને હરેન પંડયા ગૃહરાજ્ય મંત્રી હતા. તે વખતે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી વાડી નામની સ્કૂલ બહાર વાલીઓ ફિ વધારાને લઈ એકઠા થયા હતા. આ બનાવની જાણકારી મળતા નારણપુરાના પોલીસ ઈન્સપેક્ટર બાંગીયા અને જાદવ સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને ત્યારે અચાનક પથ્થર મારો થયો અને નાસભાગ મચી જવા પામી, જેમાં પોલીસ ઈન્સપેકટર જાદલ ફસડાઈ પડયા અને તેમને સારવાર મળે તે પહેલા તેમનું અવસાન થયું, એક પોલીસ ઈન્સપેકટરનું અવસાન થયું છે તેવી જાણકારી મળતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો અને તેમણે તોફાનીઓને ઘરમાંથી પકડી તેમની ધરપકડ શરૂ કરી.

પોલીસે ધરપકડ શરૂ કરતા ભાજપના સાબરમતી વિસ્તારના ધારાસભ્ય યતીન ઓઝા પણ ત્યાં આવ્યા અને તેમણે પોલીસના પટ્ટા ઉતારી લેવાની ધમકી આપી ગાળો આપવાની શરૂઆત કરી હતી. આમ યતીન ઓઝા પોતાની હિરોગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાં આઈપીએસ અધિકારી સતીષ વર્મા, પી કે ઝા, એ કે સુરોલીયા અને અતુલ કરવાલ પણ ત્યાં હાજર હતા. આટલા આઈપીએસ અધિકારીઓ વચ્ચે યતીન ઓઝા બેફામ બોલી રહ્યા હતા અને ચારે તરફ ઉભી રહેલી પોલીસ આ તમાશો સાંભળી રહી હતી, પણ અપમાન સહન કરવાની પણ એક મર્યાદા હોય છે. સતત કાન ફાડી નાખે તેવા શબ્દો સાંભળી રહેલા આઈપીએસ અધિકારી સતીષ વર્મા ઊભા થયા અને હાથમાં લાકડી લઈ આગળ વધ્યા યતીન ઓઝા કઈ સમજે તે પહેલા તેઓ પોલીસની ખાખીની તાકાતને પડકારી રહેલા ઓઝાને પોલીસને લાઠીની તાકાત શું છે તે સમજાવવાની શરૂઆત કરી, આ જોઈ પી કે ઝા અને અતુલ કરવાલ પણ આગળ આવ્યા અને ઓઝા ત્રણ આઈપીએસ અધિકારીઓ વચ્ચે ફુટબોલની જેમ ફંગોળાઈ રહ્યા હતા.

આ વખતે નારણપુરા પોલીસ ઈન્સપેકટર ડી બી બાંગીયા દુર ઊભા રહી આ દૃશ્ર્ય જોઈ રહ્યા હતા  તેમની સ્થિતિ કફોડી થઈ હતી. કારણ ખુદ યતીન ઓઝાએ નારણપુરામાં બાંગીયાને મુકાવ્યા હતા, આમ પોલીસની નિયુક્તીમાં રાજકારણ હોવાને કારણે પોલીસ ખરેખર ક્યારેય પોલીસ બની કામ કરી શકતી નથી. તેનું આ ઉદાહરણ હતું, પણ બાંગીયા આ દૃશ્ર્ય જોઈ રહ્યા છે તેવું સતીષ વર્માના ધ્યાનમાં આવતા તેમણે દુરથી બુમ પાડી બાંગીયા તેરા પોસ્ટીંગ ઈસને કરવાયા હૈના..? ચલ તુ ભી આ જા તેમ કહી તેમણે પીઆઈ બાંગીયાને લાકડી સાથે બોલાવ્યા અને આદેશ કર્યો તુ ભી ચાર લાઠી ઠોક દે... આખરે કમને બાંગીયાને આદેશ થતાં પોતાનું પોસ્ટીંગ કરાવનાર ધારાસભ્યને ફટકારવાની ફરજ પડી હતી. આ મામલો ત્યારે ખુબ ગરમાયો હતો. યતીન ઓઝાએ સરકારમાં આ અધિકારીઓ સામે ફરિયાદ પણ કરી પરંતુ હરેન પંડયાને અંદાજ આવી ગયો કે વાંક પોલીસનો નહીં પણ યતીન ઓઝાનો હતો.

જેના કારણે એક પણ અધિકારી સામે પગલા લેવામાં આવ્યા નહીં, યતીન ઓઝા નારાજ થયા અને પાર્ટી છોડી દીધી. તેમણે આ અધિકારીઓ સામે કરેલો કેસ આજે પણ કોર્ટમાં પડતર છે. પોલીસની નોકરી સ્વમાનપૂર્વક કરનાર અધિકારીઓ બહુ ઓછા છે પણ પોસ્ટીંગ માટે નેતાઓના દરબારમાં મુજરો કરનારની પણ કમી નથી. ખાખીનો રોફ પ્રજા ઉપર જાડતા અધિકારીઓ નેતાની ચેમ્બરમાં ગરીબ અને લાચાર થઈ જાય છે. તેમના સાચા ખોટા આદેશ માને છે, પણ વર્મા, પી કે ઝા , કરવાલ, રજનીશ રાય અને  રાહુલ શર્મા જેવા જુજ ઓફિસરો પોલીસમાં રહેલા આપણા વિશ્વાસને જીંવત રાખે છે.

જો કે યતીન ઓઝાને પોતાની હેસીયત બતાડનાર સતીષ વર્મા, અતુલ કરવાલ અને એ કે સુરોલીયા લાંબા સમયથી સાઈડ પોસ્ટીંગમાં છે, પી કે ઝાનું અવસાન થઈ ચુક્યું છે જ્યારે રાય અને રાહુલ શર્માએ પોલીસને નોકરીને તીલાંજલી આપી દીધી છે, કેટલાંક અધિકારીઓ પૈસા માટે જીવતા હોય છે. જ્યારે કેટલાંક ખાખીના સ્વમાન માટે જીવતા હોય છે. ખાખીનું સ્વમાન જાળવવા મથતા તેવા તમામ પોલીસ અધિકારીઓની અમારી સલામ છે.