મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સટેબલો રહસ્યમ રીતે પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા અને તેમના ઘરેથી બે અલગ અલગ સુસાઈડનોટ મળી આવતા તેમના પરિવાર દ્વારા સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બે કોન્સટેબલની સુસાઈડનોટમાં નવરંપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટપ પી બી દેસાઈ અને તેમના બે વહિવટદારો વિરૂધ્ધ ત્રાસ આપવાનો તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ મુકવામાં આવ્યા છે. આ મામલે અમદાવાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સોલા વિસ્તારમાં રહેતા કોન્સટેબલ કૌશલ અને ઘાટલોડીયા વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર સોંલકી બંન્ને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાના ઘરેથી તા 20મીના રોજ ગુમ થયા હતા અને તેમના ઘરેથી મળેલી ચીઠ્ઠી પ્રમાણે તેમને નવરંગપુરા પોલીસ ઈન્સપેટર પી બી દેસાઈ અને તેમના વહિવટદાર જયેશ દેસાઈ અને દેવશી દેસાઈ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.  જેના કારણે ત્રાસીને તેમણે જીવનનો અંત આણવાનો પ્રયત્ન કર્યો છે. તેથી તેઓ ઘર છોડી જઈ રહ્યા છે. આ મામલે સોલા અને ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે.

જો કે આ મામલે તપાસ કરતા સામા પક્ષે બીજી હકિકત જાણવા મળી છે. જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના કોન્સટેબલ કૌશલ ભટ્ટ અને જીતેન્દ્ર સોંલકી નાઈટ ડ્યૂટી કરતા હતા. જેમાં રાતના સમયે તેઓ શંકાસ્પદ વ્યકિતઓને અટકાવી પોલીસ સ્ટેશન લાવી પતાવટ પેટે મોટી રકમ વસુલ કરતા હતા, આ પ્રકારને એક અરજી કૌશલ અને જીતેન્દ્રની વિરૂધ્ધમાં આવી હતી. જેમાં કોઈ નીશીત ગુર્જર નામની વ્યકિતએ આરોપ મુકયો હતો. તે કારમાં એચ એલ કોલેજ પાસેથી પસાર થતો હતો ત્યારે કૌશલ અને જીતેન્દ્રએ અટકાવી તેના ફોનની તપાસ કરતા તેમા ક્રિકેટ સટ્ટા અંગેની એપ મળી હતી. જેના આધારે તેઓ તેને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને બે લાખ રૂપિયા વસુલ્યા પછી જવા દીધો હતો.

આ અરજી મળ્યા બાદ પોલીસ ઈન્સપેકટર પી બી દેસાઈએ તેમનો ખુલાસો માંગ્યો હતો અને આસીસ્ટન્ટ પોલીસ કમિશનરને આ મામલે જાણ કરી હતી. જેના કારણે તા 15મી જુલાઈથી આ બે કોન્સટેબલ જાણ કર્યા વગર ગેરહાજર થઈ ગયા હતા. આ મામલે પોતાની સામે તપાસ થઈ પગલાં ભરવામાં આવશે તેવો ડર લાગ્યો હતો. પોલીસ સ્ટેશન દ્વારા તેમના ઘરે પણ ગેરહાજર કેમ છો તેવી નોટિસ આપવામાં આવી હતી. આ દરમિયાન તેઓ તા 20મીના રોજ સુસાઈડનોટ  લખી જતા રહ્યા હતા. તેમણે કોઈ અંતિમ પગલુ ભર્યું છે કે માત્ર પોતાની સામેની તપાસને રોકવા નાટક કર્યું છે તે સ્પષ્ટ થયું નથી.