જયંત દાફડા / દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલને અમદાવાદના હૃદય સમાન ગણવામાં આવે છે. મહામારીના સમયથી જ તબીબોએ અનેક વખત પોતાના પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે દેખાવ કર્યા હતા. ત્યારે આજે ફરી એક વખત બી.જે મેડિકલમાં અભ્યાસ કરતા જુનિયર તબીબોએ પોતાની સમસ્યાઓથી કંટાળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અમદાવાદમાં આવેલી બી.જે મેડિકલ કોલેજમાં અમદાવાદના તેમજ અન્ય શહેરોના વિદ્યાર્થી તબીબી અભ્યાસ માટે આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થીઓને પાયાની સુવિધા ન મળતી હોવાથી આજે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુ. જી હોસ્ટલ થી બી.જે મેડિકલ કોલેજ સુધી હાથમાં ડોલ લઈ રેલી કાઢી હતી. હોસ્ટેલ ઘણી જૂની હોવાથી અંદરની હાલત જર્જરિત થઈ ગઈ છે. ઘણી વાર છતના પોપડા વિદ્યાર્થી પર પડ્યા હોવાની ઘટના પણ બની છે. અને બી.યું પરમિશન ન હોવાથી પીવાનું પાણી પણ નથી આવતું. જેથી બજારમાંથી મિનરલ વોટર લેવું પડે છે. અને ફાયર સેફ્ટીની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
સમગ્ર બાબતે વિદ્યાર્થી અનેક વખત અઘિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. જેનો આજદિન સુધી કોઈ નિવારણ આવ્યું નથી. જેથી આજે વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.