મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં એક સભા યોજીને રાજ્ય તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. દરમિયાન સંગઠનના કેટલાક સભ્યો દ્વારા ગાંધી આશ્રમની મુલાકાત લઈ આંદોલન અંગે ગાંધીજીના આશિર્વાદ લીધા હતા. તેમની માગણી હતી કે, તેઓને જુની પેન્શન યોજનાના લાભ મળે.

આ કાર્યક્રમમાં ગુજરાત સહીત રતલામ, મુંબઈ, રાજસ્થાન વગેરે સ્થળેથી કર્મચારીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા.  રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તથા બેંક, ઇન્સ્યુરંસ, નિગમના કર્મચારીઓ તા. 17/11/2019 ને રવિવારે ન્યુ રેલવે કોલોની ઇન્સ્ટિટ્યૂટ મેદાન, સાબરમતી ખાતે આંદોલનમાં અંદાજિત ૨૦૦૦ જેટલા કર્મચારીઓએ હાજરી આપી હતી. 

કાર્યક્રમ મારફત કર્મચારીઓ માટે 2004 થી લાગુ થયેલ NPS NATIONAL PENSION SCHEME યોજના નાબૂદ કરી જૂની પેંશન યોજના લાગુ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે,  સમગ્ર ભારત પૈકી માત્ર ગુજરાત (કે જે રાજ્ય ભારતનું નં. 1 - વિકસિત રાજ્ય હોવાનો સરકાર દાવો કરે છે) માં પ્રવર્તતી શોષણકારી ફિક્સ પગાર પ્રથા નાબુદી માટે પણ કર્મચારીઓ માંગણી કરે છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારો જો આ અંગે ત્વરિત નિર્ણય લેશે નહીં તો 2020 ના અંત સુધી કર્મચારીઓ ઉગ્ર રીતે વિરોધ નોંધાવીને અકલ્પનીય નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

જોકે અકલ્પનીય નિર્ણય શું છે તે તેમણે જાહેર કર્યું નહીં પરંતુ વધુમાં તેમણે જણાવ્યું કે, જો NPS તેમજ ફિક્સ પગાર પ્રથા સરકારે ચાલુ રાખવી હોય તો ધારાસભ્ય તેમજ સાંસદોને પણ આવી આર્થિક અસ્પૃશ્યતા ફેલાવતી નીતિનો લાભ આપવાનો રહેશે એવી માંગણી અથવા તેમને આ નીતિથી મુક્ત કરવાની માંગણી.  

તે ઉપરાંત ટીમ ઓ.પી.એસ. દ્વારા હવેથી તમામ ટીમ, સંસ્થા, યુનિયન કામ કરશે. ૦૭-૧૨-૨૦૧૯ ના દિવસે તમામ ગુજરાતના કર્મચારીઓ પોતાના રક્ત દેશના જવાનોને અર્પણ કરશે.

કાર્યક્રમમાં NATIONAL MOVEMENT FOR OLD PENSION SCHEME NMOPS ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર બંધુ, INTUC ના રાષ્ટ્રીય સચિવ અશોકભાઈ પંજાબી, FANSPR ના રાષ્ટ્રીય સંયોજક અમરિક સિંહજી તેમજ NMOPSના કેન્દ્રીય સમિતિ તેમજ જુદા જુદા રાજ્યોના હોદ્દેદ્દારો ઉપસ્થિત રહીને સભા સંબોધન કર્યું હતું.