પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં થોડા વર્ષો પહેલા સેટેલાઈટ વિસ્તારમાં એક હીટ એન્ડ રનનો કેસ બન્યો હતો જેમાં બે યુવકોના મોત નિપજયા હતા, આ કોઈ પહેલી ઘટના  ન્હોતી, રાજ્યમાં આવી રોજ ઘટનાઓ ઘટતી હોય છે, પણ સેટેલાઈટ વિસ્તારની આ ઘટનાએ અખબાર અને ટેલીઝન ચેનલોમાં દિવસો સુધી સ્થાન મેળવતી રહી હતી. ગુજરાતમાં ઘણા અકસ્માતો એવા પણ હોય છે કે ટ્રકમાં જાન જતી હોય અથવા હાઈવે ઉપર બે બસો ટકરાય અને દસ-બાર લોકોના મોત થયા પણ સમાચાર માધ્યમો તેની એકાદ બે દિવસ નોંધ લે અને પછી  તે ઘટના ભુલી જાય છે. પણ સેટેલાઈટ વિસ્તારની આ ઘટનામાં તેવું થયું નહીં પત્રકારો તો ઠીક પણ વહિવટી તંત્ર અને ન્યાય તંત્રના મનમાં પણ આ ઘટના ઠસી ગઈ હતી. તેનું કારણ એવું હતું કે જે કાર દ્વારા અકસ્માત થયો તે બીએમડબ્લ્યુ કાર હતી. સ્વભાવીક છે આવી કારનો માલિક પણ શ્રીમંત જ હોય.

આ કારનો માલિક હતો વિસ્મય શાહ, તેના પિતા અમિત શાહ (મંત્રી નહીં) અમદાવાદના મોટા ડૉકટર છે અને શેરબજારમાં પણ ખાસ્સુ કમાયા છે. જ્યારે પણ આ પ્રકારના અકસ્માત થાય ત્યારે અકસ્માત કરનારને પોલીસ પકડે અને કોર્ટમાં રજુ કરે અને તેને જામીન મળી જતા હોય છે. દસ-બાર લોકોના મોત થાય ત્યારે પણ ડ્રાઈવરને જામીન મળી ગયાના લાખો દાખલા છે પણ વિસ્મય શાહના કેસમાં તેવું થયું નહીં. અકસ્માત કરનાર કાર બીએમડબ્લ્યુ હતી અને વિસ્મય કરોડપતિ પિતાનો પુત્ર હોવાને કારણે માધ્યમો પણ દમ લગાડી ઘટનાની પાછળ પડી ગયા હતા. ફોરેનસીક રિપોર્ટ આવે તે પહેલા જ કારની ઝડપ કેટલી હતી. વિસ્મય દારૂ પીવે છે કે નહીં વગેરે વગેરે સ્ટોરી ચાલવા લાગી, જો કે માધ્યમોનું તે કામ છે પણ માધ્યમોનો ઉત્સાહ મૃત્યુ પામનાર વ્યકિતઓ તરફ સહાનુભુતી અથવા આરોપી પ્રત્યેનો રોષ ન્હોતો.

પરંતુ આપણે ત્યાં તમામ મધ્યમવર્ગીય લોકોની જે માનસીકતા છે તેનું પરિણામ હતી. મધ્યમવર્ગ કાયમ શ્રીમંતોને ધીક્કારતો હોય છે પણ આખરે તેને પણ શ્રીમંત તો થવું જ છે. માધ્યમો પણ તેમાંથી બાકાત રહી શકયા નહીં. માધ્યમોએ આ ઘટનાને ખુબ મહત્વ આપ્યું તેના કારણે પોલીસની પ્રમાણિકતા પણ એરણે હતી, પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તેવું બતાડવા કામ કર્યું અને બધા જ માનતા હતા કે વિસ્મયને કોર્ટમાં રજુ કરશે એટલે જામીન મળશે પણ તેવું થયુ નહીં વિસ્મય મહિનાઓ સુધી સાબરમતી જેલમાં રહ્યો અને તેને જામીન મેળવવા માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડયુ હજી થોડા મહિના પહેલા વિસ્મય પોતાની પત્ની અને પારિવારીક મિત્રો સાથે દારૂ પીતા પકડાયો, આવા ગુજરાતમાં હજારો લોકો રોજ પકડયા છે અને જામીન લઈ છુટી જાય છે, પણ વિસ્મય પકડાયો એટલે તેની સાથે તેવું થયું નહીં તે લગભગ દસ દિવસ જેલમાં રહ્યો અને પછી જામીન મળ્યા.

આ બંન્ને ઘટનાઓમાં કોર્ટમાં આરોપીના પાંજરામાં શ્રીમંત ઉભો હોય ત્યારે પોતાની પ્રમાણિકતા સાબીત કરવા માટે દાખલો બેસાડવા ચુકાદાઓ આપતી હોય છે. કોર્ટે તે પાંજરામાં શ્રીમંત છે કે ગરીબ તે જોયા વગર કામ કરવાનું હોય છે પણ તેવું થતું નથી, આવું મુંબઈના ઝવેરી બીરજુ સલ્લા સાથે થયું, બીરજુ સલ્લા પણ હાલમાં સાબરમતી જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે. બીરજુને એરલાઈન્સની યુવતી સાથે સંબંધ થયો અને પછી કોઈક કારણસર તેઓ અલગ થયા, પણ બીરજુ તે બાબત સહન કરી શકયો નહીં, તેણે આ એરલાઈન્સ બંધ કરાવી દઈશ તેવી ક્ષુલ્લક બદલાની ભાવનાથી પોતે જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો તેના વોશરૂમમાં એક ચીઠ્ઠી મુકી અને કહ્યું કે પ્લેન હાઈજેક થઈ ગયું છે. આ એક મીસચીફ હતી, બીરજુનો ઈરાદો કયાંક પ્લેન હાઈજેક કરવાનો ન્હોતો, આ કેસની તપાસ એજન્સીએ જે કોઈ પુરાવાઓ રજુ કર્યા તે અપુરતા હતા, કેસનો નજીકથી અભ્યાસ કરનારા માની રહ્યા હતા કે બીરજુ છુટી જશે પણ તેવું થયું નહીં.

જ્યારે ચુકાદો આવ્યો ત્યારે કોર્ટે કહ્યું કે બીરજુ સલ્લાને આજીવન કેદ (મૃત્યુ પર્યત) અને પાંચ કરોડનો દંડ કરવામાં આવે છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યુ કે દાખલો બેસાડવા માટે આ સજા કરવામાં આવી છે. બીરજુ સલ્લાએ જે મીસચીફ કરી અને તેના કારણે મુસાફરો અને એજન્સીઓને સમય બગડયો અને પીડા સહન કરવી પડી તેને નકારી શકાય તેમ નથી. તેની પણ સજા મળવી જોઈએ, પણ બીરજુ સલ્લા શ્રીમંત હોવાને કારણે દાખલો બેસાડવા આજીવન કારાવાસની સજા થાય વાજબી નથી. આમ દરેકને શ્રીમંત થવું છે પણ ઘણી વખત શ્રીમંત હોવાને કારણે સજા અને પીડા ભોગવવી પડે છે. તેનું વિસ્મય અને બીરજુ ઉદાહરણ છે, આવું માત્ર વિસ્મય અને બીરજુ સાથે જ થયું છે તેવુ નથી આપણે ત્યાં જેમની પણ સેલીબ્રીટી તરીકે ગણના થાય છે તેમને પણ તેમની સોય જેવી ભુલની સજામાં કોસના ડામ મળ્યા છે.