દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ જેવા ઝડપથી આગળ વધી રહેલા શહેરમાં જ્યાં લોકો પાસે પાડોશીને પણ મદદ કરવાનો સમય નથી ત્યારે અમદાવાદની કેટલીક ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને રિવરફ્રન્ટ પર ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવવાનું કામ કરે છે. આ ગરીબ બાળકો ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મોટા ભાગના બાળકોના માતા-પિતા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાના બાળકો તરફ ધ્યાન આપવાનો કે તેમને શાળાએ મોકલવાનો સમય આ વાલીઓ પાસે હોતો નથી, જેના કારણે મોટા ભાગના બાળકો શાળાએ જતા ન હતા.

આ ગૃહિણીઓમા સંગીતા બહેન નામના એક બહેન જ્યારે સાત વર્ષ પહેલા તેમની પુત્રીના જન્મદિવસે આ ગરીબ બાળકોને ભેટ આપવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે તેમને વિચાર આવ્યો હતો કે આ બાળકોના શિક્ષણ માટે કંઈક કામ થવું જોઈએ. ત્યાર બાદ તેમણે તેમની અન્ય ગૃહિણી મિત્રો સાથે મળીને આ બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. જે છેલ્લા સાત વર્ષ જેટલા લાંબા સમયથી અવિરતપણે ચાલે છે.

Advertisement


 

 

 

 

 

સંગીતા બહેને જણાવ્યું હતું કે, તેમની પાસે અત્યારે હાલ 84 જેટલા વિદ્યાર્થીઓ ભણવા આવે છે. જેમાંથી તો કેલાક વિદ્યાર્થીઓ એવા પણ હતા કે શાળાએ જતા ન હતા. આ ગૃહિણીઓના ગ્રુપ દ્વારા આ બાળકને શાળામાં દાખલ કરવામાં આવ્યા. અહીંયા આવતા બાળકોમાં બાલમંદિરથી લઈને નવમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવે છે. નવમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે તેમણે સ્પેશિયલ શિક્ષકો નિયુક્ત કર્યા છે.

આ ગૃહિણીઓ અહીંયા બાળકોને માત્ર શિક્ષણ નથી આપતા. શિક્ષણની સાથે સાથે તેમને વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવે છે. આ ઝૂંપડપટ્ટીના બાળકો અહીંયા સ્કેટિંગ પણ શિકે છે. જેના માટે આ ગૃહિણીઓ ભેગા મળીને બાળાઓને સ્કેટ સૂઝ પણ લઈ આપ્યા છે. આ ઉપરાંત વિવિધ તહેવારો ઉપર આ બાળકો સાથે અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. જેમ કે હવે દિવાળી આવી રહી છે તો આ ગૃહિણીઓ બાળકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું.