મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ): વડાપ્રધાન નરેન્દ્ર મોદિ દ્વારા કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા પછી કાશ્મીરમાં વણજાહેર થયેલા કરફ્યુ તેમજ નેટ અને ફોન સેવાઓ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધને માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો છે એવું માનતાં વિવિધ સંગઠનો, કલાકારો, લેખકો, અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગુરુવારની સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં નારા લગાવવામાં આવ્યા હતા. “કાશ્મીરીઓ હમ તુમ્હારે સાથ હે”

જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫(એ)ની કલમ હટાવવાના મુદ્દે વર્ષોથી રાજકીય વિવાદ ચાલી રહ્યો હતો ૭૩ દિવસ પહેલા નરેન્દ્ર મોદીની સરકારે એક ખાસ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરી ૩૭૦ અને ૩૫(એ)ની કલમ હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. ભાજપ અને ભાજપ સમર્થિત પક્ષોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી હતી.

કેન્દ્ર સરકારના આ નિર્ણયના પ્રત્યાઘાત ખાસ કરીને કાશ્મીર અને ખીણ પ્રદેશમાં ના પડે તે માટે જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રીઓ ફારૂક અબ્દુલ્લા, મેહબૂબા મુફ્તી અને ગુલાબનબી આઝાદ સહિત સંખ્યાબંધ કાશ્મીરી નેતાઓને નજરબંધ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત લેન્ડ લાઈન અને મોબાઈલફોન સેવા સહિત ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર અને કાશ્મીર પોલિસનો દાવો છે કે, “કાશ્મીરની સ્થિતિ હવે પૂર્વવત થઈ ગઈ છે. શાળા-કૉલેજો ખુલી ગઈ છે. અને બજારો ધમધમતાં થઈ ગયાં છે. પરંતુ કાશ્મીરમા વસતાં લોકો સમગ્ર બાબતને વણ જાહેર થયેલી કટોકટી અને માનવ અધિકારનો ભંગ ગણાવી રહ્યાં છે.

આ મુદ્દા ઉપર જ કાશ્મીરની પ્રજા સાથે અમે છીએ તેવું દર્શાવવાં માટે અમદાવાદનાં લોકો દ્વારા અમદાવાદ આઈઆઈએમ રોડ ઉપર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે સૂચક બાબત એવી છે કે, કાશ્મીરીઓના મુદ્દે તેમનાં સમર્થનમાં યોજવામાં આવેલી કેન્ડલ માર્ચની ઘટનાની નોંધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાયએ જરા પણ લીધી નથી.

જુઓ આ વિડિયો.