મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આપણને હિન્દી ફિલ્મોમાં દેખાતા હિરો જેવા લોકો આપણી આસપાસ જ હોય છે પરંતુ આપણને તે હીરો લાગતા નથી. આવા જ એક હિરોની કહાની અમદાવાદમાં ઘટી છે. આ હિરોનું નામ છે રજનીકાંત મકવાણા. અત્યંત સમાન્ય માણસ છે, સામાન્ય કડિયો છે. તેણે કરેલા કામની મહાનતા કદાચ તેને પણ ખબર નથી, પરંતુ તેણે એક સ્ત્રી અને એક બાળકીને જીવન આપવાનું કામ કર્યું છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજ લાખો લોકો પ્રવાસ કરે છે, 200-500 ટ્રેનની અવરજવર રહે છે. પ્લેટફોર્મ પર આવેલી ટ્રેન યાર્ડમાં જાય છે, જ્યાં તેની સફાઈ થાય છે. ચાર દિવસ પહેલા યાર્ડમાં આવેલી પાટણ ડેમુ ટ્રેનની સફાઈ શરૂ થાય છે અને સફાઈ કામદાર ચોંકિ જાય છે. ટ્રેનમાં એક બાળકી હતી. અત્યંત નાજુક અને સોહામણી, અત્યંત તાજી જન્મેલી.

આવી બાળકીને કોઈ ભૂલી તો ન જ ગયું હોય પણ કોઈક છોડી ગયું હશે. રેલવે પોલીસ આવે છે અને નિયમ પ્રમાણે વાયરલેશ મેસેજ થાય છે, પણ આટલા મોટા રાજ્યમાં આ બાળકીના માતા-પિતાને શોધવા તે અઘરૂ કામ છે.

ઘટનાના બે દિવસ બાદ વિસનગર પોલીસ સામે એક યુવક અને યુવતી હાજર થાય છે. યુવકનું નામ છે રજનીકાંત મકવાણા, યુવતીનું નામ છે કેતકી. તે વિસનગર પોલીસને કહે છે કે, અમારાથી એક ભૂલ થઈ છે. અમારી બાળકી અમે પાટણ ડેમુ ટ્રેનમાં મુકી દીધી હતી. જે હવે અમારે પાછી જોઈએ છે.

વિસનગર પોલીસ તપાસ શરૂ કરે છે. આ દરમિયાન રેલવે પોલીસનો એક મેસેજ તેમની પાસે હોય છે. જેમાં એક બાળકી મળી હોવાની માહિતીનો ઉલ્લેખ હોય છે. મામલો અમદાવાદ પહોંચે છે. કેતકીની આ સંદર્ભે પોલીસ પુછપરછ કરે છે. જોકે તેમાં કેતકીની કહાની આખી ઘટનાને બીજો જ વળાંક આપે છે.

કેતકી એક અત્યંત ગરીબ પરિવારની દીકરી છે. તેની માતા કેન્સરથી પીડાય છે. તે પોતાની માતાની સારવાર માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં આવે છે. આ દરમિયાન તેનો પરિચય રિક્ષા ડ્રાઈવર હિમાંશુ પટેલ સાથે થાય છે. હિમાંશુ કેતકીને લગ્નની ખાતરી આપે છે. રાણીપ વિસ્તારમાં એક મકાન પણ ભાડે લે છે. જ્યાં તે કેતકીને રહેવાની વ્યવસ્થા કરી આપે છે. આ દરમિયાન બંને વચ્ચે શારિરીક સંબંધ બંધાય છે.

જેને કારણે કેતકી ગર્ભવતી થાય છે. કેતકી ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતાં હિમાંશુ સંબંધ કાપી નાખે છે અને કેતકીને કાઢી મુકે છે. કેતકી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફૂટપાથ પર રહે છે કારણ કે તેની માતાની સારવાર સિવિલમાં ચાલે છે. આ દરમિયાન તેનો પરિચય સિવિલમાં કડિયાનું કામ કરતાં રજનીકાંત મકવાણા સાથે થાય છે. કેતકી તેને સમગ્ર સ્થિતિથી વાકેફ કરે છે.

આમ છતાં રજનીકાંત તેને મદદ કરવા તૈયાર થાય છે. આ દરમિયાન કેતકી એક બાળકીને જન્મ આપે છે જેમાં પિતા તરીકે તે હિમાંશુ પટેલનું નામ લખાવે છે, પરંતુ બાળકીને જન્મ આપ્યા પછી હવે ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થાય છે. રજનીકાંત કેતકીને લઈ પોતાના ગામ વિસનગર જાય છે. જ્યાં પોતાના માતા પિતા સામે કેતકીની આખી કહાની કહે છે અને કેતકી સાથે લગ્ન કરવા માગે છે તેવો પ્રસ્તાવ મુકે છે. તેનો પરિવા આખી ઘટનાથી નારાજ છે તે કેતકી અને તેના બાળકને સ્વિકારવા તૈયાર નથી. આખી ઘટનાના વચલા માર્ગ તરીકે કેતકી અને રજનીકાંત બાળકને મુકી દેવાનું નક્કી કરે છે.

જોકે બાળકને ટ્રેનમાં મુકી આવ્યા પછી બંનેને પછતાવો થતાં તેઓ વિસનગર પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને આખી ઘટનાનો પર્દાફાશ થાય છે. (કેતકીનું નામ બદલ્યું છે કારણ કે તે સગીર છે)