મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નીકાંડમાં 8 જીંદગી હોમાઈ ગઈ હતી. આ ઘટનામાં 41 દર્દીઓને અને 1 ઈજાગ્રસ્ત પેરા મેડિકલ સ્ટાફ મળીને કુલ 42 દર્દીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. એસવીપીમાં કુલ 27 પુરુષો અને 15 મહિલાઓને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના વખતે પોલીસ અને પરિવારજનો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

અમદાવાદની નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ કે જેને કોવીડ માટે ફાળવવામાં આવી હતી ત્યાં ગત રાત્રે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મોટી આગ લાગી હતી. હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડમાં આઈસીયુમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 8 દર્દીઓના મોત થયા છે. લગભગ હોસ્પિટલનો તમામ સામાન ખાખ થઈ ગયો છે. આ ઘટનામાં પરિવારજનોએ કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસે હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને પકડી પાડીને અટકાયતમાં લઈ પુછપરછ શરૂ કરી છે. અમદાવાદ પોલીસ આ ઘટનામાં સીસીટીવીને આધારે પણ વધુ તપાસ કરવાની છે.

માત્ર દર્દીઓ જ કેમ મૃત્યુ પમ્યા? પરિવારના સવાલો

હોસ્પિટલમાં 5 પુરુષ અને 3 મહિલા દર્દીઓ બળીને ભળથુ થઈ ગયા. ઘટનામાં હોસ્પિટલ તંત્રની જેટલી બેદરકારી સામે આવી તેટલી જ અમદાવાદ કોર્પોરેશનની પણ બેદરકારી સામે આવી રહી છે. હોસ્પિટલ પર પરિવારજનોએ ઘણા આક્ષેપો કર્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મોડી રાત્રીની આ ઘટના અંગે અમને મીડિયા થકી ખબર પડી હતી હોસ્પિટલના તંત્રએ તો જાણ સુદ્ધા કરી ન હતી. પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવે છે પણ આગ અંગે કે દર્દીની સ્થિતિ અંગેની કોઈ જાણકારી અપાઈ નથી. બે જ દિવસ પહેલા અમારી પાસેથી પાંચ લાખનું બિલ લીધું છે.  પરિવારજનોએ હોસ્પિટલ પર ત્યાં સુધી આક્ષેપો કર્યા છે કે તેમણે સત્ય છુપાવ્યું છે. તેમણે કહ્યું છે કે હોસ્પિટલમાં ઓક્સીજનની અછતને કારણે તેમના સ્વજનનું મોત થયું છે આગને કારણે નહી. પરિવારે એવું કહ્યું કે હોસ્પિટલનો સ્ટાફ બચી જાય છે અને માત્ર દર્દીઓ જ મરી જાય આ કેવી રીતે? શું દર્દીઓને મરતા છોડી દેવાયા હતા? કે સળગાવી નાખ્યા?

ફાયર બ્રિગેડના જવાનો હવે સેલ્ફક્વોરંટાઈન થયા

આ ઘટનામાં એક જાણિતા વકીલ સોહેલ તિરમીઝીના પત્ની આયેશા તિરમીઝી ભોગ બન્યા છે. ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરાઈ હતી પરંતુ તે પહોંચે તે પહેલા જ લગભગ આખો આઈસીયું વોર્ડ ખાખ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ હોસ્પિટલને ખાલી કરીને ત્યાં સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના 35 જવાનોએ અહીં કામગીરી કરી હતી. તે તમામ હવે સેલ્ફ ક્વોરંટાઈન થઈ ગયા છે. કારણ કે તેઓ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા હતા. 

ફાયર સેફ્ટી નહીં, છતાં હોસ્પિટલમાં દર્દીઓનો ધમધમાટ

આ આગ ખરેખર શોર્ટસર્કિટને જ કારણે લાગી હતી કે કેમ તે અંગે ફાયર વિભાગ તપાસ ચરાવી રહ્યું છે લગભગ એફએસએલની પણ મદદ લેવાશે. પણ અહીં સવાલ એ મોટો ઊભો થઈ રહ્યો છે કે હોસ્પિટલ પાસે ફાયરનું એનઓસી ન્હોતું તેમ છતાં પણ હોસ્પિટલમાં દર્દીઓનો ધમધમાટ હતો. જો હોસ્પિટલ ફાયર એનઓસી વગર પણ ચાલતી હતી તો પછી હોસ્પિટલના ઉપર કોર્પોરેશનના કયા અધિકારીના ચાર હાથ હોઈ શકે છે? કે પછી દર્દીઓ મોટા કોઈ ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા?

જાણો કયા નેતાએ શું કહ્યું

PM મોદીએ આ ઘટનાની જાણ થતાં જ શહેરના મેયર અને રાજ્યના CM પાસેથી આ ઘટનાની માહિતી લીધી હતી. ત્યારબાદ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આગની ઘટના સંદર્ભે જરૂરી તમામ મદદ કરાશે. PM મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી રીલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરાઈ છે. દરેક મૃતકના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય આપવાનું નક્કી કરાયું છે, જ્યારે ઘાયલ દર્દીઓને રૂપિયા 50 હજારની સહાય આપવા જાહેરાત કરાઈ છે. 

અમદાવાદની એક હોસ્પિટલમાં કરૂણ આગની ઘટનાથી જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઘેરા શોકની લાગણી અનુભવું છું. દુઃખની આ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રભુ પ્રાર્થના: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ.

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 
મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં બનેલી આ ઘટનાનું ખુબ જ દુખ છે. પરંતુ આ ઘટનામાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેના માટે મુખ્યમંત્રીએ ઘટનાની તાપસ માટે કમિટી બનાવી છે. કમિટીને 3 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસે મીડિયાને સહકાર આપવો જોઈએ. આજે પરિવારજનો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી મામલે પણ જણાવ્યું હતું કે, હાલ પોલીસ શિસ્ત જાળવવા કામગીરી કરી રહી છે, જેથી તેમને સહયોગ આપવો જોઈએ.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કહ્યું કે, કોવીડ 19 હોસ્પિટલમાં આગમાં 8 લોકોના મોતના સમચાર ખુબ જ દુઃખદ છે, ઘાયલ દર્દીઓની તુરંત સારવાર કરવામાં આવે. રુપાણી સરકાર કોર્પોરેશનની નાકામી અને ભ્રષ્ટાચારને કારણે આગની ઘટનાઓ વારંવાર બને છે. કોવીડથી તો લોકો મરી રહ્યા છે, પણ તંત્રની બેદરકારીને કારણે પણ લોકો મરી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હ્યદયદ્વાવક છે. ભગવાન મૃતકોના પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ