મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અરવિંદ ભાવસાર, મનુભાઈ રામી, જ્યોતિ સિંધિ, આયશા તિરમીઝી, નવનીત શાહ, લીલાવતી શાહ, આરીફ મન્સૂરી અને તેમનો પુત્ર નરેન્દ્ર શાહ, આ નામ છે અમદાવાદની નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામનારાઓના. આગમાં તેઓ 40થી 60 ટકા જેટલા દાઝી ગયેલા હતા. તેમના મૃતદેહને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા જેમાં પ્રારંભીક રીતે આ વિગતો સામે આવી રહી છે.

આ ઘટનામાં મુખ્યત્વે મૃતકોના મોતના કારણ પર બધાની નજર હતી. કારણ કે મૃતકોના પરિવારે ઘણા આક્ષેપો કર્યા છે. આ પહેલીવાહ હશે કે ગુજરાતમાં કોઈ કોરોનાના દર્દીની લાશનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હોય. તબીબોની પેનલ સાથે કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમ વખતે તબીબોએ પીપીઈ કીટ સહિતના તકેદારીઓના પગલા લીધા હતા. આ પેનલ પોસ્ટ મોર્ટમમાં બી જે મેડિકલના 22 તબીબોની ટીમ જોડાઈ હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સવારથી જ આ મૃતદેહના પોસ્ટ મોર્ટમ શરૂ કરી દેવાયા હતા. સૂત્રોની જાણકારી પ્રમાણે આ ઘટનામાં લાશો લગભગ 40થી 60 ટકા જેટલી બળી ગઈ હતી. મૃતકોના મૃત્યુંનું કારણ કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવાનું બન્યું હતું. હજુ ઘણા રિપોર્ટ તૈયાર થશે અને ત્યાર બાદ એક નક્કર બાબત પર પહોંચી શકાશે પરંતુ હાલ પ્રારંભીક ધોરણે મળી રહેલી જાણકારીઓ પ્રમાણે મૃત્ચુનું કારણ કાર્બન મોનોક્સાઈટ શ્વાસમાં જવાથી હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કેસમાં તંત્ર ભીનું સંકેલવાના પ્રયત્નોમાં હોય તેવું કહેવાયું છે. સાથે જ અમદાવાદના મેયર અને આરોગ્ય મંત્રીના રાજીનામા માગ્યા છે. જોકે હવે આ કેસ કેટલે સુધી જાય છે તે આવનારો સમય કહેશે.