મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: આજે શનિવારે સવારે ૧૧:૦૦ વાગ્યાના સુમારે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શી ટીમે અમદાવાદની એક યુવતી (ઉ.વ.આ.૨૨)ને સુભાષબ્રિજ નીચેથી પાણીમાં ડૂબતાં બચાવી લીધી હતી અને માનવતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને મહિલા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી તેના પતિને સોંપવામાં આવી હતી.

પેટ્રોલિંગ વખતે સુભાષબ્રિજ નીચે  ડ્રાઈવર કાંતિભાઈ (હેડ કોન્સ્ટેબલ)ની નજર એક લેડીઝ ચંપલ પર પડી. અને તરત જ તેઓએ ગાડી સાઈડમાં ઊભી કરી અને જોયું તો એક બહેન નદીમાં ડૂબી રહ્યાં હતાં. તુરંત જ તેમણે ડૂબકી મારીને એ બહેનને બહાર કાઢ્યાં હતાં. પરંતુ વધારે પડતું પાણી શરીરમાં ગયું હોવાથી તેઓ બેભાન અવસ્થામાં હતાં.

શી ટીમનાં મહિલા કોન્સ્ટેબલ સુમીતાબા અને ખુશ્બૂ પણ ત્યાં હાજર હતાં. જેઓએ યુવતીને ધાબળો, સ્વેટર વગેરે ઓઢાડીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તથા પોલીસ સ્ટેશને જાણ કરીને યુવતીને યુનિયન સ્ટાફને સોંપી અને સારવાર માટે ખસેડી હતી.

યુવતી સ્વસ્થ થતાં જરૂરી કાર્યવાહી કરીને તેમના પતિને સોંપવામાં આવ્યાં હતાં. જોકે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તે હજી જાણી શકાયું નથી. પણ સુત્રોનું માનીએ તો યુવતી અસ્થીર મગજની હતી અથવા ઘરેલુ ઝઘડાથી કંટાળીને આત્મહત્યા કરવાં પ્રેરાઈ હતી.