મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનને એલજી હોસ્પિટલમાંથી સૂચના મળી કે તેમના વિસ્તારની એક મહિલાએ આત્મહત્યા કરવા માટે ફિનાઈલ પી લીધુ છે અને સારવાર માટે એલજી હોસ્પિટલ લાવવામાં આવી છે. આ સૂચના આધારે પોલીસ એલજી હોસ્પિટલ પહોંચી પણ ત્યાં સારવાર લઈ રહેલી મહિલાની આપવીતી સાંભળી પોલીસ અધિકારીઓ પણ ચૌંકી ઉઠયા હતા. પોલીસે મહિલાની ફરિયાદ આધારે કરણસિંહ ચાવડા સામે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડી  વિસ્તારમાં રહેતી આ પરિણિતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, 2008માં આ પરિણિતાના પતિને ગંભીર અકસ્માત થયો જેની સારવાર માટે તેને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અત્યંત મધ્યવર્ગી પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, આ અકસ્માતમાં બાદ સાજો થયેલો પરિણિતાનો પતિ કામકાજ કરી શકે તેવી સ્થિતિમાં ન્હોતો. તેના કારણે પરિણિતાએ ઘર ચલાવવા માટે લોહી ખરીદતા લોકોના સંપર્કમાં આવી હતી. તે પોતાનું લોહી વેચતી હતી. આ દરમિયાન તેને કરણસિંહ ચાવડા નામનો વ્યકિત મળ્યો હતો, તેણે તેને કામ અપાવીશ તેવું કહ્યું હતું.

જો કે કરણસિંહને ઘણી હોસ્પિટલો સાથે સંપર્ક હતા, તેણે મહિલાને સ્ત્રી બીજ વેચવાનું કહ્યું અને પૈસા ખાતર પરિણિતાએ હમણાં સુધી 65 વખત પોતાનું સ્ત્રી બીજ વેચયું હતું, આ દરમિયાન કરણસિંહએ મહિલાને સરોગસી મધર થવાની વાત કરી હતી. જેમાં તેને ચાર લાખ મળશે તેમ કહ્યું હતું, આ પરિણિતા તેના માટે પણ તૈયાર થઈ અને સરોગસી કરી તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, જો કે ત્યાર બાદ ચાર લાખ મળતા કરણસિંહે મહિલાને માત્ર એક લાખ જ આપ્યા હતા અને ત્રણ લાખ પોતે લઈ લીધા હતા. આ સંબંધો દરમિયાન અનેક વખત કરણસિંહ આ પરિણિતા સાથે શરીર સંબંધ પણ બાંધી ચુકયો હતો.

પરિણિતાએ જ્યારે પોતાના ત્રણ લાખની માગણી કરી ત્યારે કરણસિંહે તે પરિણિતાને તેની વીડિયો કલીપ બતાડી રૂપિયા 10 લાખની માગણી કરી હતી. મહિલાએ પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા કરણસિંહે પરિણિતાને તેની યુવાન દીકરીને એક રાત માટે પોતાની પાસે મોકલી આપવા જણાવ્યું હતું. પરિણિતા ડરી ગઈ હતી બીજી તરફ આબરૂ જવાની બીક લાગતી હતી અને પોતાની યુવાન દીકરીને પણ તેને બચાવવી હતી. કરણસિંહ સતત દસ લાખ માંગી રહ્યો હતો. આખરે પરિણિતાએ કંટાળી જીવનનો અંત આણવા માટે ફિનાઈલ પી લીધુ હતું. જો કે પડોશી મહિલાને આ અંગે જાણ થતાં તે સારવાર માટે પરિણિતાને હોસ્પિટલ લઈ આવી હતી. અમરાઈવાડી પોલીસે પરિણિતાની ફરિયાદ આધારે કરણસિંહ ચાવડા સામે બળાત્કાર સહિત તેના પૈસા પડાવી લેવા અને છેતરપીંડીની ફરિયાદ નોંધી છે.