મેરાન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી હાર્દિક પટેલનું રાજકીય કદ વધી ગયું છે. જોકે હાર્દિક પટેલને પોતાની સામે થયેલા કેસમાં ગત 18મી જાન્યુઆરીએ હાજર રહ્યા નહીં. જે પછી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઈને વિલંબ કરાવવાને પગલે હાર્દિક પટેલ સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ થયું હતું. જે પછી હાર્દિકની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે સમયે હાર્દિકને શરતી જામીન પર મુક્ત કરાયા હતા. હવે હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા મામલે કોર્ટ સમક્ષ જે અરજી કરી હતી તે અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટ સમક્ષ પોતે હવે ગુજરાતની બહાર જવા માગતા હોઈ કોર્ટની પરવાનગી માગતી એક અરજી કરી હતી. જોકે કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. રાજદ્રોહના ગુનામાં અગાઉ પણ હાર્દિક પટેલ જેલમાં રહ્યા પછી ગત 18મી જાન્યુઆરીએ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહીને મુદ્દતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડી. સેશન્સ કોર્ટ જજ બી જે ગણાત્રા દ્વારા ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરી દેવાયું હતું.

કોર્ટના વોરંટ પછી વિરમગામ ખાતેથી હાર્દિક પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે પછી આ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન મળ્યા હતા અને જેલમાંથી બહાર આવવાનું થયું હતું, જોકે જેલની બહાર આવ્યા પછી તુરંત માણસા પોલીસે સભા સંબોધવામાં જાહેરનામાના ભંગ થવા બદલ ફરી ધરપકડ કરવામાં આવી હતી. જેના જામીન માણસા કોર્ટમાંથી મળ્યા પછી સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણી દરમિયાન મંજુરી વગર સભા કરવા મામલે ધરપકડ કરી હતી. 

જે બાદ પણ હાર્દિકને જામીન મળ્યા હતા, ત્યાંથી છૂટ્યા પછી હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરના રાયોટિંગના કેસમાં તેણે આગોતરા જામીન મુક્યા હતા જે સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પણ ઘણા કેસ છે. હાલમાં હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તેમણે કોર્ટમાં ગુજરાત બહાર જવા માટે કરેલી અરજી ફગાવી દેવાઈ છે. જોકે હાલ હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની પરવાનગી નથી જેને કારણે તેમણે અમદાવાદ કોર્ટ સમક્ષ અરજી કરી હતી.