મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલ ગુરુવારે અમદાવાદમાં નવી બનેલી એસવીપી હોસ્પિટલ તથા શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાર બાદ આજે શુક્રવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન કર્યું. પરંતુ આ ત્રણેય સ્થળોએ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં નવી બનેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ (SVP)નું ઉદ્ધાટન કર્યું અને ત્યાર બાદ રિવરફ્રંટ ખાતે સભાને પણ સંબોધિત કરી અને લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ હોસ્પિટલ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું. જો કે નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધ્રાટનનાં 24 કલાક વીતી ગયા છતાં આ હોસ્પિટલમાં ન તો સુપ્રિટેન્ડન્ટની નિમણૂક કરાઇ છે, ન તો ડોક્ટર્સ અને અન્ય સ્ટાફની નિમણૂક. આમ આ હોસ્પિટલનું ઉદ્ધાટન તો વડાપ્રધાનના હાથે કરી દેવાયુ પરંતુ દર્દીઓને ક્યારે આ હોસ્પિટલમાં સારવાર મળશે તે તો સમય જ બતાવશે.

વડાપ્રધાન મોદીએ ત્યાર બાદ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ધાટન કર્યું હતું. જેમાં એવો દાવો કરાયો હતો કે લોકો દુબઇની જેમ મોડી રાત સુધી અહીં ખરીદી કરી શકશે તથા સારા ડિસ્કાઉન્ટ્સમાં વસ્તુઓ મળશે. તંત્ર દ્વારા જાહેરાત કરાઇ હતી કે શુક્રવારે સવારે 10 વાગ્યાથી સામાન્ય જનતા અહીં ખરીદી કરવા આવી શકશે. જો કે જેમ હોસ્પિટલનું થયું તેમ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવામાં સવારે લોકો ગાંધીનગર, મુંબઇ અને અમદાવાદના લોકો પણ આવી ગયા. પરંતુ સિક્યોરિટી દ્વારા આ લોકોને અંદર પ્રવેશ જ ન અપાયો અને કહ્યું કે ખરીદી કરવા સાંજે 5 વાગ્યે આવજો. આ સમગ્ર મામલો મીડિયામાં ચમકતા બપોરે 12 વાગ્યે પ્રવેશ તો અપાયો પરંતુ ત્યા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળી રહ્યો હતો.

ગાંધીનગર ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટ 2019નું ઉદ્ધાટન કર્યું ત્યાં આગળ પણ પ્રવેશને લઇને લોકોએ હંગામો કર્યો હતો. ઉદ્ધાટન સમારંભ શરુ થતા જ પ્રવેશ બંધ કરી દેવાયો હતો પરંતુ ઘણા બધા લોકો જેમની પાસે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેનો પાસ હતો છતાં તેમને પોલીસે પ્રવેશતા અટકાવી દીધા હતા. જો કે લોકોએ હંગામો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને અંદર જગ્યા નથી, કાર્યક્રમ શરુ થઇ ગયો છે તેથી સુરક્ષા કારણોસર પ્રવેશ અપાયો નથી તેમ કહી મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમિટમાં મોટી સંખ્યામાં વિવિધ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હોવાને કારણે ગાંધીનગરના સરગાસણ સર્કલ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.