મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના રિવરફ્રન્ટ પરથી સાબરમતીના પાણીમાં કુદી એક મહિલા આપઘાત કરવા જઈ રહી હતી તે વખતે તેણીને બચાવવા માટે એક સિક્યુરિટી ગાર્ડ કુદયો પણ તેનો પ્રયત્ન તેને પણ લઈને ડુબ્યો અને બંને વ્યક્તિના મોત થયા છે. આ ઘટના સામે આવતા લોકોએ યુવતી પર ફીટકાર વરસાવ્યો હતો. સાથે જ આ ઘટના સ્થળથી થોડા મીટરો દુર એક અન્ય મહિલા પણ નદીમાં કુદી હતી અને તેને બચાવવા માટે પણ એક પુરુષ પાછળ કુદયો હતો પરંતુ આ બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર બનેલી આ બે ઘટનાઓએ ચકચાર મચાવી મુકી છે.

અમદાવાદના સુભાષબ્રિજ કાતે સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ ગાર્ડન પર એક યુવતીએ એક તરફ સાબરમતી નદીમાં પડતું મક્યું હતું. જે ત્યાં ફરજ પર હાજર એક સિક્યુરિટી ગાર્ડ જોઈ ગયો હતો. તેથી તે તેણીને બચાવવા માટે નદીમાં કુદયો પણ બંને લોકો નદીમાં ડુબવા લાગ્યા હતા. તે અંગે ફાયરબ્રીગેડની રેસ્ક્યૂ ટીમને જાણ કરાઈ તો તેઓ બંને મૃત બહાર કઢાયા હતા.

ફાયરબ્રિગેડની ટીમ બંનેની લાશ બહાર કાઢતી હતી ત્યારે 100 મીટર દૂર એક યુવતીએ વોક વે પરથી નદીમાં પડતું મુક્યુ હતું. જેને બચાવવા માટે એક યુવક નદીમાં પડ્યો હતો. રેસ્ક્યૂ ટીમ નજીકમાં જ હોવાથી તાત્કાલિક ત્યાં પહોંચી ગઈઅને બંને યુવક-યુવતીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આમ રિવરફ્રન્ટ પર આજે બનેલી બંને એક સરખી ઘટનાઓમાં એકમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય બેનો બચાવ કરી લેવામાં આવ્યો હતો.