દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં આવેલા સાયન્સ સિટી અમદાવાદમાં આવતા પ્રવાસીઓ માટે એક અકર્ષણનું કેન્દ્ર છે. હવે આ સાયન્સ સિટીમાં એકવેટીક અને રોબોટિક મ્યુઝિયમ પણ બની રહ્યા છે, જેના કારણે અમદાવાદ સાયન્સ સિટી રાજ્યમાં અને દેશમાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંને મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરી હતી. વિજયભાઈએ આ બંને જગ્યાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી તેની જાણકારી લીધી હતી.

અમદાવાદ સાયન્સ સિટીમાં બની રહેલું એકવેટિક મ્યુઝીયમ દેશનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ મ્યુઝિયમમાં અંડરવોટર વોક વે બનાવવામાં આવ્યો છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં વિશ્વના દરેક મહાસાગર માંથી વિશિષ્ટ પ્રકારની અને દરેક પ્રજાતિની માછલીઓ પણ લાવવામાં આવશે. આ એકવેટિક મ્યુઝીયમ ૨૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આવનારા થોડા સમયમાં વડાપ્રધાનના હાથે આ મ્યુઝીયમનું ઉદઘાટન કરવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

એકવેટિક મ્યુઝીયમની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ રોબોટિક મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ રોબોટિક મ્યુઝિયમમાં અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજી છે જે બાળકોનું મનોરંજન તો કરશે જ પણ સાથે સાથે તેમને કઈક શીખવાની જીજ્ઞાશા પણ ઉત્પન્ન કરશે. આ રોબોટિક મ્યુઝિયમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઈતિહાસ માટે એક રૂમ છે જેમાં ટેકનોલોજીનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. એક સ્પોર્ટ્સ રૂમ પણ છે જેમાં રોબોટ દ્વારા રમતો રમાઈ રહી હતી. 

નવા બની રહેલા સ્થળોની કામગીરીની સમીક્ષા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે આ નવા મ્યુઝિયમ દેશમાં આવતા પર્યટકો માટે આકર્ષણનું કન્દ્ર બનશે. આ બનાવવાનો મુખ્ય હેતુ બાળકોમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે રુચિ વધે અને તેઓ તે તરફ આગળ વધે તેઓ છે. કોરોના મહામારીના કારણે અત્યાર સુધી આનું ઉદઘાટન કરવામાં આવ્યું ન હતું પણ હવે થોડા સમયમાં વડાપ્રધાન પાસેથી સમય લઈને તેમના હાથે લોકો માટે આ સ્થળો ખુલ્લા મુકવામાં આવશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ અમદાવાદ સાયન્સ સિટીમાં બની રહેલા મ્યુઝિકલ ફાઉન્ટન, પલનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, અને લાઇફ સાયન્સ વિભાગ વિશે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાયન્સ સિટીના ડાયરેક્ટર એસ. ડી. વોરા અને સાયન્સ સિટીના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.