મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના આશા ફાઉન્ડેશનના સંચાલક તેમજ રાણીપ બકરા મંડીના શાહીદ અહેમદ, હનીફ થારુન, જાવેદ અબ્દુલ હનીફ અને કરમણ છના ચુનારા સામે ફરિયાદ થઈ છે. નરોડા, ઓઢવ અને રામોલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમની સામે વિશ્વાસઘાત, ચોરી અને ચીટિંગ સંદર્ભેની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી દ્વારા 4 ડિસેમ્બરે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં 218 ઘેટા-બકરા ભરેલી ટ્રક પકડી ત્યાંથી આ સમસ્થ કૌભાંડ સામે આવ્યું છે.

4 ડિસેમ્બર પછી બે દિવસ બાદ 6 તારીખે નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પણ ચાર ટ્રકમાં 960 ઘેટા-બકરા સાથેની ટ્રક પકડાઈ હતી. જે પછી બીજા બે દિવસ પછી એટલે કે 8 ડિસેમ્બરે અમદાવાદના ઓઢવમાં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ 182 ઘેટા-બકરા પકડાયા હતા. એક જ અઠવાડિયામાં કુલ 1360 પશુઓ પકડાયા હતા. જેથી પોલીસે સપ્લાયર્સ સામે ગુનો નોંધ્યો છે.

આ ઘટનાઓ પછી માલિકોને જાણ થઈ કે રાણીપની સૌથી મોટી બકરા મંડીમાં પશુઓનો ધંધો બનાવી દેવાયો છે. જ્યારે મંડીમાં જઈને તપાસ કરી તો ખબર પડી કે 218 ઘેટા-બકરાં મુકાયા હતા પરંતુ તેમાંથી 15 જ મળી આવ્યા હતા. નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.કામ‌િળયાએ જણાવ્યું છે કે 960 બકરાં આશા ફાઉન્ડેશનમાં મૂક્યાં હતા, જેમાંથી અમને 178 મળ્યા છે, 99 ઘેટાં-બકરાં રાણીપ બકરા મંડીથી મળ્યાં છે. પોલીસે કુલ 38 લાખની કિંમતનાં 1360 ઘેટાં-બકરાં પકડ્યાં હતાં, જેમાં હાલ તપાસ કરતાં કુલ સાત લાખનાં 329 ઘેટાં-બકરાં મળી આવ્યાં છે, જ્યારે 1031 ઘેટાં-બકરાં વેચી દીધાં હતા. આશા ફાઉન્ડેશનના સંચાલકોએ 32 લાખ રૂપિયાનાં ઘેટાં-બકરાં વેચી દીધાં છે.