સુબ્હાન સૈય્યદ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના દર્દીઓની સંખ્યા જેમ વધી રહી છે તેમ સરકારની જવાબદારી પણ વધી રહી છે. આપણે સૌ જાણીએ છીએ આપણું વહિવટીતંત્ર ટાંચા સાધનો અને ઓછા સ્ટાફ સાથે કાર્ય કરી રહ્યું છે. આની ફરિયાદો રોજેરોજ આવી રહી છે. આ પ્રકારની ફરિયાદ હવે અમદાવાદમાં કોરોના દર્દીઓની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે તે સમરસ હોસ્ટેલમાંથી ઊઠી છે. સમરસ હોસ્ટેલમાં મોટા ભાગના કોરોના દર્દીઓ ઝીરો લક્ષણોવાળા છે. આવા દર્દીઓને કોઈ લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યા છે. 25મી એપ્રિલ અહીંયા મોટા પ્રમાણમાં દિવસનું ભોજન બપોરે ત્રણ-ચાર વાગે આપવાની ફરિયાદ ઊઠી હતી. હવે એક નવી બાબતને લઈને દર્દીઓ હોબાળો મચાવી રહ્યા છે.

અહીંયા કોર્પોરેશન દ્વારા જે કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે તે મધ્યઝોનના એસ્ટેટ અધિકારીઓ છે જેઓ દબાણ ખાતામાં કાર્ય કરે છે. વ્યવસ્થા સંભાળનારામાંથી કેટલાંક કોરોના પોઝિટિવ છે, અને તેમના દ્વારા જ દર્દીઓને નાસ્તો, જમવાનું આપવામાં આવે છે. હવે ઝીરો લક્ષણોવાળા દર્દીઓમાં ફફડાટ છે કે જો આ રીતે જે કર્મચારીઓ પોઝિટિવ છે તેઓ જ વ્યવસ્થા સંભાળતા હોય તો તે ગંભીર બાબત છે. આ ઉપરાંત સાફસફાઈનો અભાવ અને પાણી ન આવવાની ફરિયાદો અહીંયાથી ઊઠી છે.