મેરાન્યૂઝ નેટર્વક.અમદાવાદ: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એક વર્ષ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સેવા શરૂ થયાના થોડા જ સમયમાં મહામારી અને લોકડાઉનના કારણે આ સેવા બંધ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સી-પ્લેન રિપેરીંગ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજ સુધી તે પ્લેન પાછું આવ્યું નથી. હવે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસે બીજા બે પ્લેનની માગણી કરી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કેવડિયા સિવાય અન્ય સ્થળોએ પણ સી-પ્લેન સેવા શરુ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ મુક્યો છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા સી-પ્લેન ખરીદવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ હવે ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલાતા ફરીથી એક વાર કેન્દ્ર સરકાર સમક્ષ આ માંગણી મુકવામાં આવી છે.

ગુજરાતના રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, " અમે ગુજરાતમાં અમદાવાદ રિવરફ્રન્ટ, કેવડિયા, પાલીતાણા પાસે શેત્રુંજય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમ પાસે સી-પ્લેનની સુવિધા ચાલુ કરવા માંગીએ છે. અત્યારે હાલ આપણી પાસે કોઈ સી-પ્લેન ન હોવાને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે બે સી-પ્લેન ખરીદવાની મંજૂરી માગી છે. કેન્દ્ર સરકાર પાસે સવાર અને સાંજ બે ફ્લાઈટ અમદાવાદથી કેવડિયા માટે શરૂ કરવાની પરવાનગી માગવામાં આવી છે."