મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના વટવા વિસ્તારની આઈશા નામની પરિણિતા તેના પતિ આરીફ ખાનના ત્રાસથી આજે સાબરમતી નદીમાં કુદી ગઈ અને પોતાનો જીવ આપી દીધો. દીકરીનો પતિ ઝાલોર ખાતે રહેતો હતો. દહેજની માગણીનો આ બંને વચ્ચે કેસ પણ ચાલતો હતો. જોકે આજે કંટાળીને આઈશાએ જીવનલીલા આટોપી લીધી હતી. તેણે મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ વીડિયો પછી તેની અને તેના પિતા વચ્ચે વાતચિત પણ થઈ હતી. જેનું રેકોર્ડિંગ અહીં અહેવાલના અંતમાં દર્શાવ્યું છે. અહીં આઈશાની સાથે સાથે તેના પિતા અને માતા કેટલા દુઃખી હતા તે પણ જાણી શકાય છે.

દીકરી આઈશાએ જ્યારે અંતિમ પગલું ભરવાની વાત કરી ત્યારે માતા-પિતાના પગ નીચે જમીન સરકી ગઈ હતી. પિતા સતત તેને ફોન પર સમજાવી રહ્યા હતા, તેને કુરાને પાકના સમ આપી રહ્યા હતા, પોતે બધું જ ઠીક કરી દેશે તેવી આશા આપી રહ્યા હતા. તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા હતા કે પોતાની વ્હાલી દીકરીને ગુમાવવી ન પડે. મૃત્યુને વ્હાલું કરવા માગતી આઈશાને તેઓ પોતાની પાસે રોકી શકે. તેમણે તેને સતત કહ્યું કે દિકરા ઘરે આવી જા હું બધું ઠીક કરી દઈશ, મારી વાત સાંભળ. જોકે આઈશા એકની બે ન થઈ અને તેણે આખરે અંતિમ પગલું ભર્યું. તેણે પિતાને કહ્યું કે બચી જાઉં તો લઈ જજો, ન બચું તો ઠીક.


 

 

 

 

 

અગાઉ તેણે શેર કરેલો વીડિયો પણ અહીં દર્શાવ્યો છે. વટવા વિસ્તારમાં અલમી પાર્ક ખાતે રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈ કામ કરે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના, કે જે પરિણિત છે, દિકરો આમીર, અરમાન અને દીકરી આઈશા ઉર્ફે સોનું હતી. વર્ષ 2018માં આઈશાના લગ્ન રાજસ્થાનના ઝાલોરમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન પછી તેના સાસરિયા તેને પરેશાન કરતાં હોવાની વિગતો મળી રહી છે. દહેજ મામલે ઝઘડા કરી તેઓ ગત બે વર્ષ પહેલા આઈશાને પીયર મુકી ગયા હતા. જે પછી તે પિતા સાથે રહેતી હતી. જે પછી પણ એક વખત આરીફ ઘરે આવીને રૂપિયા દોઢ લાખ લઈ ગયો. બાદમાં ફરી તેને પાછી મુકી ગયો. આઈશાએ અગાઉ પણ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

તેણે બપોરના સમયે પિતાને ફોન કરી પુછ્યું તમે જમ્યા કે નહીં. ખબર પુછી.. બાદમાં તેણે કહ્યું કે તેની આરીફ સાથે ફોન પર વાત થઈ અને તે તેણીને લઈ જવા માગતો નથી. કહે છે તારે મરવું હોય તો મરી જા. મને વીડિયો મોકલજે. તેથી આઈશાએ તેને વીડિયો મોકલ્યો હતો. આઈશા રિવરફ્રન્ટ સાબરમતી નદી પાસે ગઈ ત્યારે માતાએ તેને કોઈ અયોગ્ય પગલું ન ભરવા સમજાવી અને તેઓ પિતા સાથે તેને શોધવા નીકળયા. જોકે થોડી વાર પછી આઈશાના ફોન પરથી એક અજાણી વ્યક્તિએ વાત કરતાં કહ્યું કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસેથી મળ્યા છે. ફાયર બ્રિગેડએ નદીમાં તપાસ કરી તો આઈશાની લાશ મળી હતી. હવે તેના પતિ અને સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણા સંદર્ભે ગુનો નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે.