દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અમદાવાદમાં આવતા લોકો માટે એક પર્યટકસ્થળ પણ છે અને અમદાવાદમાં રહેતા લોકો માટે કરોડોના ખર્ચે બનાવાયેલો સાબરમતી રિવરફ્રન્ટ શાંતીથી બેસવા અને સમય વિતાવવા માટેનું સ્થળ છે પણ છેલ્લા કેટલાક સમયથી સાબરમતી નદીમાં પાણીની જગ્યાએ લિલ અને સેવાળની લીલી ચાદર જોવા મળી છે. આ અંગે ચિંતા કરતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારને આડે હાથ લીધા હતા.
ઔદ્યોગિક એકમો દ્વારા નદીમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાને કારણે નદીમાં મોટા પ્રમાણમાં ગંદકી અને પ્રદુષણ જોવા મળી રહ્યું છે. પ્રદુષણના કારણે નદી પર આવેલા સુભાસબ્રિજથી ડફનાળા સુધીના ભાગમાં સેવાળની લીલી ચાદર પથરાઈ ગઈ છે અને જાણે કોઈ મેદાન હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા નદીમાં સફાઈ શરૂ કરવામાં આવી છે.
નદીની સફાઈ માટે કોર્પોરેશન દ્વારા મોટા મોટા મશીન લાવવામાં આવ્યા છે પરંતુ અત્યારે નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાને કારણે નદીમાં મશીનથી સફાઈ કરવું શક્ય નથી જેના કારણે અત્યારે તંત્ર દ્વારા માણસોની મદદથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતાં નદીની હાલત આવી કેમ છે તે અંગે હાઇકોર્ટે તંત્રને ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે આવી કંપનીઓ સામે કડક પગલા લેવા પણ એટલા જ જરૂરી છે કારણ કે ગંદકી કરે કંપનીઓ અને તેની સફાઈનો ખર્ચ જનતાના રૂપિયાથી કરાય તે યોગ્ય બાબત નથી.
Advertisement
 
 
 
 
 
નદીમાં થઈ રહેલા પ્રદૂષણના કારણે નદીની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે. અત્યારે શહેરમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યૂ, મલેરિયા જેવા ઘણા રોગોના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે નદીમાં ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે જેના કારણે રોગચાળાની આશંકા વધી જાય છે ત્યારે તંત્રની આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
હાઇકોર્ટની સ્પેશિયલ બેચ દ્વારા સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્ત કે ઔદ્યોગિક એકમ નદીના પ્રદુષણ માટે જવાબદાર છે તેના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ જેના કારણે બીજા લોકો આવુ કરતા અટકે અને નદીનું પ્રદુષણ થતા અટકી શકે. એક બાજુ સરકાર સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવ્યાનું ગૌરવ લે છે તો બીજી બાજુ નદીની આવી કફોળી હાલત કેમ સરકારને દેખાતી નથી. તાત્કાલિક પણે નદીને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે પગલાં લેવાવવા જોઈએ.