મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): અમદાવાદમાં શાહીબાગ ખાતે ગુજરાત ટુરિસ્ટ વ્હિકલ્સ ઓપરેટર્સ એસોશિએશન (GTVOA) ની ઓફિસ ખાતે આજે મંગળવારે મેમ્બર્સની મિટિંગ યોજાઈ હતી. જેમાં કોરોના અને લોકડાઉનના કારણે તેઓના વ્યવસાય પર થતી માઠી અસરો અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી. આ મિટિંગમાં ટુરિસ્ટ વ્હિકલના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક બિઝનેસમેન હાજર રહ્યા હતા.

એસોશિએશનના પ્રમુખ નિતિનભાઈએ જણાવ્યું હતું કે, આ વ્યવસાય કરતા અમદાવાદમાં ૨૯૩ અને ગુજરાતમાં લગભગ ૧૦૦૦ લોકો આ એસોશિએશન સાથે સંકળાયેલા છે. એ સિવાય પણ ઘણા લોકો આ વ્યવસાય કરે છે. કોરોનાની મહામારી સામે લડવા સરકાર દ્વારા લોકડાઉન સહિત જે પગલાં લેવામાં આવ્યા તેનાથી અમારા વ્યવસાયને અત્યંત માઠી અસર પહોંચી છે. અમારી બસના પૈડાં થંભી ગયાં છે. પણ ડ્રાઈવર, કંડક્ટર સહિત અન્ય સ્ટાફના પગાર પણ ચાલું છે, બેન્કના હપ્તા, ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ અને આર.ટી.ઓ. ટેક્સ પણ આ મહિનાથી શરૂ થશે. જે બધાની રકમ એક ગાડી દીઠ મહિને લગભગ ૧ લાખ રૂપિયા થાય છે. જેની સામે અમારી આવક શૂન્ય છે. આથી અમે આ પરિસ્થિતી સામે લડી શકતા નથી.

બસના પૈડાં થંભી જવાનું કારણ પૂછતા એસોશિએશને જણાવ્યું હતું કે, લોકડાઉન પછી મોટાભાગના ધાર્મિક અને ફરવા લાયક સ્થળ ખૂલ્યા નથી અને લોકો પ્રવાસ કરવાનું ટાળે છે. તથા સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું પણ જરૂરી છે. જેથી અમે બસમાં ૫૬ મુસાફરોની જગ્યા હોવા છતાં અમે ૨૦થી ૨૫ મુસાફર જ બેસાડી શકીએ. જેથી અમારે બહુ મોટું આર્થિક નુકસાન વેઠવું પડે.

એસોશિએને નીચે મુજબની માગણી કરી છે.

૧. સરકારે અમને ૬ માસની આર.ટી.ઓ. ટેક્સ માફી આપી હતી. જે વધુ લંબાવવામાં આવે અને અમારી પાસેના વ્હિકલને 'નોનયુઝ' તરીકે નોંધી તેની નોનયુઝ ફી રૂ. ૧૦૦ લેવામાં આવે. અને જે એડવાન્સ આર.ટી.ઓ. ટેક્સ અંદાજે ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ વ્હિકલ લેવામાં આવે છે તે એડવાન્સ લેવામાં ન આવે, જ્યારે અમારી બસસેવા ચાલું થાય ત્યારે અમે ટેક્સ ભરવા તૈયાર છીએ.

૨. અમારી પાસેની લગભગ બધી જ બસ ઉપર અલગ-અલગ ફાયનાન્સ કંપનીની લોન ચાલું છે, જેઓ અમારી પાસે સતત EMIની માગણી કરે છે. સરકાર દ્વારા એ ફાયનાન્સ કંપનીઓને કહેવામાં આવે કે, આગામી થોડા સમય સુધી, જ્યાં સુધી અમારો વ્યવસાય પુનઃ શરૂ ન થાય ત્યાં સુધી માત્ર વ્યાજ જ વસૂલવામાં આવે.

૩. અમારી બસના થર્ડપાર્ટી ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં પણ રાહત આપવામાં આવે. કારણ કે, અમારી બસ રોડ પર નીકળતી જ નથી. તે એક જ જગ્યાએ પડી રહે છે. નોનયુઝ એટલે શું?

દરેક ટુરિસ્ટ વ્હિકલ પર સ્થાનિક આર. ટી. ઓ. દ્વારા એડવાન્સ મંથલી ટેક્સ લેવામાં આવતો હોય છે. જે વ્હિકલના પ્રકાર પર આધારિત છે, તે ૨૧૦૦૦થી લઈને ૪૫૦૦૦ સુધી હોઈ શકે. પરંતુ જો વાહન ઉપયોગમાં ન લેવાતું હોય તો તેને 'નોનયુઝ’ કહેવામાં આવે છે. અને જેટલો સમય તે ઉપયોગમાં ન લેવાય તેટલો સમય વાહન માલિકે તેનો આર.ટી.ઓ. ટેક્સ ભરવાનો રહેતો નથી અને દર મહિને એક નજીવી રકમ નોનયુઝ ફી તરીકે ભરવાની હોય છે.

એસોશિએશનના મેમ્બર્સે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ અંગે થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર આર.સી. ફળદુને પણ રજૂઆત કરી છે, જેનો હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એસોશિશએનના એક મેમ્બરે જણાવ્યું હતું કે, અમારા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાંથી અનેક લોકો આ સમસ્યાનો સામનો ન કરી શકતા, શાકભાજી, સેનિટાઇઝર જેવા અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. જો સરકાર આ ગંભીર પ્રશ્ન અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો અમે અમારી બસોને સરકાર અથવા ફાયનાન્સ કંપનીને સોંપી દઈશું અને સ્ટાફને છૂટા કરી દઈને અમે પણ વ્યવસાયનો નવો વિકલ્પ શોધીશું. અમારી સાથે અમારો સ્ટાફ પણ બેરોજગાર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૬ મહિના એડવાન્સ ટેક્સ માફ કરવામાં આવ્યો હતો તે લાભ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. પણ ગુજરાતના અંદાજે ૫૦૦૦થી વધુ પરિવારો જે વ્યવસાય પર નભે છે તે વ્યવસાયને ગુજરાત સરકાર દ્વારા કોઈપણ લાભ આપવામાં આવ્યો નથી.