મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેરનો સૌથી ઝડપી વિકાસ પામેલો મણીનગર વિસ્તારના કાંકરિયા ખાતે ગતરોજ રવિવારે રાઈડ પડી ભાંગી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને અંદાજીત 29ને ઈજાઓ પહોંચી હતી.

રાઈડનું નામ ડિસ્કવરી ઝુલો હતું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના જ્યારે બની તેના 6 દિવસ પહેલા જ રાઈડમાં ખામી સર્જાઈ હતી પણ મેઈન્ટેનન્સમાં તે વખતે ધ્યાન અપાયું ન હોવાને કારણે આ ઘટના ઘટી હતી.

આ દુર્ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ડાયરેક્ટર ઘનશ્યામ પટેલ, પુત્ર ભાવેશ પટેલ, મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ, કિશન મહંતિ અને મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ સામે કલમ 304 માનવ વધ, 114 ઘટના વખત એક કરતાં વધુ લોકો હાજર હોય તે સંદર્ભે ગુનો નોંધ્યો છે.

સેફ્ટી એક્સપર્ટના પ્રમાણપત્ર લીધા હતા. રિપોર્ટમાં રાઈડના નટબોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતો અંગે પણ તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈપણ સતર્કતા નહીં રાખવાને કારણે રવિવારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, સંચાલક ઘનશ્યામ પટેલનો દાવો છે કે, વેકેશન પહેલાં નેટ બોલ્ટ બદલ્યા હતા. લાઈસન્સ શાખાએ ઈસ્યૂ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન કરાયું છે અને 25 નંબરે ડિસ્કવરી રાઈડ હાથથી લખી દેવાયું છે. તેથી સવાલ એ ઊભો થાય છે કે શું આ રાઈડ મંજુરી વગર જ અહીં નફો રડવા માટે મુકી દેવાઈ હતી?