મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેરનો સૌથી ઝડપી વિકાસ પામેલો મણીનગર વિસ્તારના કાંકરિયા ખાતે 14 જુલાઈ 2019ના રવિવારે રાઈડ પડી ભાંગી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને અંદાજીત 29ને ઈજાઓ પહોંચી હતી. જે ઘટના લગભગ અમદાવાદ સહિતના રાજ્યના ઘણા લોકો ભૂલી શકે તેમ નથી. કારણ કે તે સમયે સહુના જીવ અધ્ધર કરી મુક્યા હતા. રાઈડના સંચાલક સુપર સ્ટાર એમ્યૂઝમેન્ટને ફરીથી કોન્ટ્રાક્ટ અપાયો છે.

રાઈડનું નામ ડિસ્કવરી ઝુલો હતું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના જ્યારે બની તેના 6 દિવસ પહેલા જ રાઈડમાં ખામી સર્જાઈ હતી પણ મેઈન્ટેનન્સમાં તે વખતે ધ્યાન અપાયું ન હોવાને કારણે આ ઘટના ઘટી હતી.

આ દુર્ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ડાયરેક્ટર ઘનશ્યામ પટેલ, પુત્ર ભાવેશ પટેલ, મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ, કિશન મહંતિ અને મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ સામે કલમ 304 માનવ વધ, 114 ઘટના વખત એક કરતાં વધુ લોકો હાજર હોય તે સંદર્ભે ગુનો નોંધ્યો હતો. જોકે હાલ તેનું શું સ્ટેટસ છે તે અંગે આપ એએમસીએ આપેલા કોન્ટ્રાક્ટ પરથી અંદાજ લગાવી શકશો.
સેફ્ટી એક્સપર્ટના પ્રમાણપત્ર પણ લીધા હતા

સેફ્ટી એક્સપર્ટના પ્રમાણપત્ર લીધા હતા. રિપોર્ટમાં રાઈડના નટબોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતો અંગે પણ તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈપણ સતર્કતા નહીં રાખવાને કારણે રવિવારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે, સંચાલક ઘનશ્યામ પટેલનો દાવો હતો કે, વેકેશન પહેલાં નેટ બોલ્ટ બદલ્યા હતા. લાઈસન્સ શાખાએ ઈસ્યૂ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન કરાયું છે અને 25 નંબરે ડિસ્કવરી રાઈડ હાથથી લખી દેવાયું હતું. તેથી સવાલ એ ઊભો થતો હતો કે શું આ રાઈડ મંજુરી વગર જ અહીં નફો રડવા માટે મુકી દેવાઈ હતી? જોકે તે સવાલનો જવાબ માટે આટલા સમય પછી પણ તંત્ર પાસેથી અપેક્ષા રાખી શકાય તેમ નથી.

કોન્ટ્રાક્ટ ફરી તેને જ

તંત્રના જ ચાર હાથ માથે હોય તો ક્યાંય કુદકા મારવાનો વખત આવતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેતે સમયે સુપર સ્ટાર એમ્યૂઝમેન્ટ (Super Star Amusement)ને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને તેના સંચાલન અંતર્ગત ડિસ્કવરી રાઈડનું સંચાલન કરાતું હતું. જોકે હવે ફરી પીપીઈ ધોરણે વસ્ત્રાપુર તળાવમાં પણ 4 મોટી અને 12 નાની રાઈડ્સને ચલાવવા માટેનું મંજુરી માટેનું કામ સ્ટેન્ડિંગ કમિટિ સામે રજુ કરાયું છે. જોકે આ જ સુપર સ્ટાર એમ્યૂઝમેન્ટને વર્ષ 2012થી કોન્ટ્રાક્ટ અપાયેલો છે.

વસ્ત્રાપુરમાં સ્વિંગ ચેર, કેટર પીલર, ઓક્ટોપસ અને બમ્પર કાર જેવી મોટી રાઇડ મુકવાની રજૂઆત થઇ છે. જ્યારે નાના બાળકો માટેની 12 રાઇડમાં સ્મોલ ડ્રોપ ટાવર, મીની એન્જિન, મીની વોટર સહિતની ગેમનો સમાવેશ થાય છે.