મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના મણીનગર ખાતે આવેલા કાંકરિયામાં બાલવાટીકા નજીકની રાઈડ તૂટી પડતાં ધડાકા ભેર નીચે પટકાઈ હતી. આપને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે લોકો તે રાઈડમાં બેસી રાઈડ એન્જોય કરી રહ્યા હતા. અચાનક રાઈડ તૂટી પડતાં લોકોને કાંઈ સમજવાની પણ તક મળી ન હતી. આ ઘટના બનતા જ આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયાની વિગતો મળી રહી છે.

અચાનક બનેલી આ ઘટનાને ઘણા લોકોએ નજરે જોઈ હતી. રાઈડ તૂટી પડતાં લોકોની ચિચિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે હાલ ગૌરી વ્રત તેમજ જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે અને ઉપરથી રવિવાર હોવાને કારણે લોકોની મોટી સંખ્યા કાંકરિયા પરિવાર તેમજ સ્વજન અને મિત્રો સાથે અહીં મનોરંજન માટે આવ્યા હતા. જેમાં કુમારિકાઓની સંખ્યા પણ વધુ હતી. તેઓ તેમજ બાલિકાઓ મજા માણી રહ્યા હતા તે સમયે આજે સાંજે એકાએક રાઈડ તૂટી પડી હતી. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે નજીકની એલ જી હોસ્પિટલમાં લઈ ગયા હોવાના અહેવાલ છે.

આ રાઈડ એટલે કે ડિસ્કવરી ઝુલો બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલો છે. આ તૂટેલો ભાગ અંદાજીત 60 ફૂટથી વધુની ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો જેની સાથે લોકો પણ હતા. આ ડિસ્કવરી ઝુલાની કેપેસિટી 32ની છે જેમાં 31 લોકો બેઠા હતા. તે રાઈડ જ્યાં પટકાઈ ત્યાં ફ્લોર પણ નીચે જમીનમાં બેસી ગયો હતો.

ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, ડિસ્કવરી ઝુલાના જોઈન્ટના ભાગમાં વેલ્ડીંગ કે બોલ્ટ તૂટી જવાના કારણે એક ભાગ છુટો પડી ગયો હતો અને જમીન પર પટકાયો હતો.

બીજી બાજુ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો હોસ્પિટલ ઘાયલોને ઝડપી સારવાર મળે તે માટે વ્યવસ્થામાં લાગી ગયા હતા. ઘટનાને પગલે બીજી અન્ય રાઈડ્સ તેમદજ માર્ગ પણ ભરાઈ જતો મેળો બંધ કરાવી દેવાયો હતો.

સ્થાનીક પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવી જઈને લોકોના ટોળાને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા.