મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં છાસવારે બનતી રહેતી ક્રાઈમની ઘટનાઓ નવાઈભરી ઘટના રહી નથી, ગુનાખોરીએ અહીં ધામા નાખ્યા હોય એવી સ્થિતિ બનતી જાય છે, પરંતુ જ્યારે સામાન્ય બાબતોમાં હત્યા જેવી ઘટના બને ત્યારે તે તરફ સૌનું ધ્યાન ખેંચાય. હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવી જ એક ઘટના બની છે, જ્યાં દુકાનનું ભાડું લેવા ગયેલા બિપિનભાઈની હત્યા કરી દેવામાં આવી.

બિપિનભાઈ વસ્ત્રાલ વિસ્તારમાં દેવશ્રી રેસિડન્સી એન્ડ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવે છે અને સાથે સાથે તેઓ ફ્લોરિંગના કોન્ટ્રાક્ટ રાખીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અહીં શોપિંગ સેન્ટરમાં તેમની માલિકીની દુકાન તેમણે દશરથભાઈ નામના શખ્સને ભાડે આપી હતી. દર મહિને નિયમિત ભાડું લેવા જાય તેમ ગઇ કાલે તેઓ ભાડું લેવા પોતાના દુકાને ગયા હતા. 

દુકાને જતાં પહેલાં તેમની પત્ની સાથે વાત થઈ હતી કે તેઓ ભાડું લેવા જાય છે તેથી મોડા ઘરે આવશે. જોકે ઘરે આવવામાં ધાર્યા કરતાં ઘણું મોડું થયું. પત્નીએ ફોન પર ફોન જોડ્યા પણ બિપિનભાઈનો ફોન બંધ આવી રહ્યો હતો. અંતે નજીકના ઓળખીતાને દુકાને જઈને તપાસ કરવા જણાવ્યું. તપાસ કરવા ગયેલા ભાઈએ ત્યાં જોયું કે બિપિનભાઈ લોહીલુહાણ અવસ્થામાં દુકાનમાં પડ્યા છે. પરિવારને અને નજીકના મિત્રોને જાણ કર્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં આ ઘટના વિશે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તુરંક બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. બિપિનભાઈના વિદાયથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.