મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનના બોર્ડની મીટિંગમાં આજે ધમાસાણ મચી ગયું હતું. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આક્રમક વાતાવરણ ઊભું થયું હતું. સામાન્યતઃ બોર્ડ કે સભા ન ચાલવા દેવા મામલે વિપક્ષ પર આક્ષેપો થતાં હોય છે જોકે આ વખતે એવી ઘટના બની કે ખુદ સત્તાપક્ષ ભાજપે બોર્ડ નહીં ચાલવા દેવાની ચીમકી આપી હતી.  ટાગોર હોલ ખાતે મળેલી આ સભામાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શાહેઝાદખાન પઠાણે રેમડેસિવિર ચોર કો બંધ કરાઓ કહ્યું ત્યાં જ મામલો ગરમી પકડી ગયો હતો.

અમદાવાદ કોર્પોરેશનની ટાગોર હોલ ખાતે ચાલી રહેલી બોર્ડ મિટિંગમાં આજે શરૂઆતમાં ઈસનપુરના કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાન મામલે શોક ઠરાવ પસાર કરાયો હતો. આ પછી શરૂ થયેલા ઝીરો અવર્સમાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ રજૂઆતો શરૂ કરી ત્યારે જ શબ્દ બાણ શરૂ થઈ ગયા હતા.

શાહેઝાદખાને કહ્યું હતું કે, ભાજપ ચોર છે, વેન્ટિલેટર ચોર અને રેમડેસિવિર ચોર છે. રેમડેસિવિર ચોર કો બંધ કરાઓ. બંને પક્ષોએ આ પછી સામ સામે નારાઓ લગાવી હોબાળો મચાવ્યો હતો. મેયરે બધા સભ્યોને બેસવાનું કહ્યું છત્તાં કોઈ માન્યું નહીં અને એજન્ડાના કામો બધા જ મંજુર કરી દીધા હતા. આ પછી બોર્ડ બરખાસ્ત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે મેયર તરફ જઈ બોર્ડ ચલાવવાનું કહ્યું હતું જ્યારે ભાજપના અન્ય સભ્યો મેયરને જ બહાર લઈ ગયા હતા.

આ દરમિયાનમાં દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શાહેઝાદખાન પઠાણે રેમડેસિવિર ચોર કો બંધ કરાઓ એવું કહેતા જ ભાજપ ભડક્યું, બધા ભાજપના સભ્યોએ આ અસહનીય શબ્દો કાનમાં ખીલાની જેમ વાગતા હોબાળો મચી ગયો હતો. ભાજપના દંડક અરુણસિંહ રાજપૂતે આ દરમિયાન માગ કરી કે શાહેઝાદખાન પઠાણે અમારા નેતાને ચોર કહ્યા છે જેથી માફી માગે. માફી નહીં માગે ત્યાં સુધી બોર્ડ ચાલવા દેવાશે નહીં. 

કોંગ્રેસના કમળાબેને કહ્યું કે, SVP હોસ્પિટલમાં ભાવવધારો કર્યો છે. 108ની સુવિધા છે અને તેમાં SVPમાં દર્દીઓ નથી લઇ જતાં. ત્યારે પાલડીના કોર્પોરેટર પ્રિતેશ ચોક્સીએ કહ્યું હતું કે, 108માં કઈ હોસ્પિટલમાં લઇ જવામાં આવે તેવું પુછે છે.