તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) : અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં પોલીસ કાર્યવાહી દરમ્યાન મોટું ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું છે. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા આસપાસમાં રહેતા રહીશો સગેવગે થવા લાગ્યા હતા. પોલીસની કાર્યવાહીના પરિણામે ૪૦ કરતા વધું અબોલ પશુઓનો જીવ બચી ગયો છે. જ્યારે કતલખાનું ચલાવતા ૫ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. પવિત્ર રમઝાન માસ પૂરો થતો નાણાં કમાઈ લેવા લેભાગુ તત્વો દ્વારા આ કારનામું કરાતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

• આયોજનબદ્ધ ચાલતું હતું કતલખાનું

અમદાવાદ શહેરના કોરોના રેડઝોન અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ચાલતા કતલખાનાનો પર્દાફાશ થયો હતો. મળતી માહીતી પ્રમાણે આરોપીઓ શાહપુર વિસ્તારમાં આવેલ કુરેશી ચોક પાસે કતલ ખાનું ચલાવતા હતા. આ કતલખાનાના સૂત્રધારો આયોજનબદ્ધ રીતે પશુઓ અને માંસની હેરફેર કરતા હોવાનું પણ સામે આવ્યું છે. માલવાહક વાહનો પર 'કોરોના રાહત કાર્ય' જેવા બોર્ડ લગાવી રાહતની આડમાં ગોરખધંધા પાર પાડતા હોવાની માહિતી સામે આવી છે. જાહેરમાં ચાલતો આ કાળો કારોબાર ઝડપાયા બાદ પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન ચેકીંગ અને શંકાસ્પદ મકાનો અને વરંડાની તપાસ કરતા કતલ કરાયેલ પશુ તેમજ ૪૦થી વધું જીવીત પશુઓ પણ મળી આવ્યા હતા. 

• ૫ આરોપીની ધરપકડ

સ્થળ પરથી ઝડપાયેલા બોલેરો પીકઅપ વાહનોમાં પણ પશુઓ મળી આવ્યા હતા એ વાહન પર પોલીસને છેતરવા માટે કોરોના રાહત કાર્યના બોર્ડ લગાવેલા હતા. સ્થળ પરથી પોલીસે કતલ માટે વાપરવામાં આવતા ધારદાર ચાકુ, મૃત પશુઓ અને જીવિત પશુઓ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ઝોન-૨ ડીસીપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા જણાવે છે કે "ગુના અંતર્ગત ઝડપાયેલા ૫ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે, ટેસ્ટ થાય ત્યાં સુધી નિયમ મુજબ આરોપીઓને નજર બંધ કરવામાં આવ્યા છે." કતલખાનાને ઝડપવા દરોડાની કામગીરી ડીસીપી ઝોન-૨ ધર્મેન્દ્ર શર્માની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.