મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં થતી રથયાત્રાની વાત થાય તરત જ માનસપટલ પર લોકોની ચિક્કાર ભીડ, ભજન મંડળીઓ, અખાડાઓ, હાથીઓ, પોલીસનો જડબેસલાક બંદોબસ્ત, ટ્રકની લાંબી કતારો વગેરે જેવા દ્રશ્યો ઉપસી આવે છે. જોકે આ વખતે કોરોના મહામારીને પગલે દેશ-દૂનિયામાં ચિંતાનું મોજું છે તેવા સંજોગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે કે કેમ તે અંગે પ્રશ્ન હતો. આ પ્રશ્નનો હલ એવો કાઢવામાં આવ્યો છે કે આ વખતે 23મી જુને ફક્ત 3 રથ, તે રથને ખેંચી શકાય એટલા જ ખલાસીઓ અને એ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ રથયાત્રા કાઢવી પડશે.

આમ તો લગ્ન, અંતિમ વિધી સહિતના પ્રસંગોમાં હાલ જે રીતે કાપ વાગી છે તે રીતે હાલ રથયાત્રામાં આવતી મેદનીને પણ કાપ મુકવી પડી છે. જોકે હજુ પોલીસ માટે આ પ્રસંગ એટલો જ સંવેદનશીલ છે. પોલીસ માટે આ રથયાત્રાને પણ સફળ અને સલામત પુરી કરવી તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને લોકોની મેદની ઉમટી ન પડે તે માટે ચાંપતો બંદોબસ્ત પણ રાખવો પડશે.

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી રીતે યોજાશે તે અંગે નિર્ણય કરવા મિટિંગ યોજાઈ હતી. જેમાં મંદિરના ટ્રસ્ટીઓની હાજરી પણ હતી. તેમણે બધાએ આ અંગે નિર્ણય કર્યો હતો અને પોતાના નિર્ણય અંગે રાજ્ય સરકારને પણ જાણ રશે અને પછી જ રથયાત્રા અંગે અંતિમ મહોર વાગશે. જોકે આગામી 5મી જુને જળયાત્રા યોજાશે જેમાં ફક્ત મંદિરના પુજારીઓ જ હાજર રહેશે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, આજે જગન્નાથજી મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી. જેમાં જગન્નાથજીની 143મી રથયાત્રા સાદાઈથી 23મી જૂને નીકળશે એવો નિર્ણય લેવાયો છે. રથયાત્રામાં માત્ર 3 જ રથ હતા. ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે જોવા નહીં મળે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી યાત્રા નિહાળે. આ વર્ષે જળયાત્રામાં પણ શોભાયાત્રા નહીં નીકળે, માત્ર મંદિરના પૂજારીઓ જ આ વિધિમાં જોડાશે. જોકે રથ ખેંચવામાં કેટલા જોડાશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એક રથ ખેંચવા 25 ખલાસીઓ જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરાશે, 10-10 લોકોના ગ્રૂપમાં વ્યવસ્થા ઊભી કરાશે. નેત્રોત્સવ વિધિના દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે ચાર વાગ્યા પછી જ વિધિ થશે. સરસપુરથી માત્ર બે લોકો જમાલપુર આવીને મામેરાની વિધિ કરશે.