પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હજી ત્રણ મહિના પહેલા અમદાવાદે કોરોનાની ગંભીરતાનો અનુભવ કર્યો હતો, બીનસત્તાવાર રીતે હજારો લોકો કોરાનોમાં મોતને ભેટયા હતા, હજી ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે અષાઢીબીજના દિવસે નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા ત્રીજી લહેર માટે નિમીત્ત બની શકે તેમ હતી. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મંહતોએ આ આખો મુદ્દો પ્રતિષ્ઠાનો બનાવી, હિન્દુઓના આસ્થાના નામે રાજય સરકારને ભીંસમાં મુકી દીધી હતી. રથયાત્રા નિકળે તો કોરોનાનું જોખમ હતું અને યાત્રા નિકળે નહીં બહુમતી હિન્દુના મતે ચૂંટાયેલી ગુજરાત સરકારને હવે હિન્દુઓની આસ્થાની કિંમત નથી તેવો પ્રચાર થવાનો ડર હતો, પરંતુ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદ પોલીસે  સમગ્ર મુદ્દાને કુનેહપુર્વક ઉકેલ લાવ્યા અને યાત્રાના માર્ગ ઉપર કરફયુ નાખી યાત્રા કાઢી નિયત સમય કરતા બે કલાક પહેલી યાત્રા મંદિરે પહોંચાડી દીધી હતી.

એક તરફ શહેરીજનો પાસે માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સના નામે દંડ ઉધારવતી પોલીસ ધર્મ સંકટમાં મુકાઈ ગઈ હતી, કારણ મંદિર દ્વારા યાત્રા નિકળશે તેવી જીદ્દ પકડી હતી, પોલીસ જાણતી હતી કે યાત્રા નિકળશે તો લાખો લોકો યાત્રામાં ઉમટી પડશે અને તેવી સ્થિતિમાં કાયદો બાજુ ઉપર રહી જશે અને ફરી એક વખત અમદાવાદ વ્યાપક રીતે કોરોનાગ્રસ્ત થશે. સિનિયર પોલીસ અધિકારીઓ અને ગુપ્તચર વિભાગે સરકારને ચેતવણી આપી હતી કે યાત્રા નિકળે નહીં તેમા જ બધાની ભલાઈ છે, પણ કોંગ્રેસ શાસનમાં યાત્રાને મુદ્દો બનાવતી ભાજપ સરકારની પરિક્ષાનો આ સમય હતો કારણ હવે ખુદ રાજય સરકાર જ ઈચ્છતી હતી કે વર્તમાન સ્થિતિમાં યાત્રા મુલત્વી રહે, પણ ધર્મ વાધ જેવો હોય છે તેની ઉપર સવારી કર્યા પછી તે ઉતરવા દેતો નથી.

Advertisement


 

 

 

 

 

એક તરફ હિન્દુની આસ્થાની વાત હતી, બીજી તરફ વર્તમાન કોરોનાની સ્થિતિ હતી, આ મામલે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંબંધીતો સાથે ચર્ચા કરી નિર્ણય લીધો કે યાત્રા નિકળશે પણ શહેરમાં કરફયુ નાખી દેવામાં આવશે. સરકારના નિર્ણય બાદ હવે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ભૂમિકા અગત્યની બની ગઈ હતી. પોલીસે તો સરકારના નિર્ણયનું પાલન કરવાનું હોય છે, પણ સરકારના સાચા ખોટા નિર્ણય પછી પણ સંમતુલન કેવી રીતે જાળવવુ તે અગત્યનું હોય છે, કમિશનર સંજય શ્રીવાસ્તવે સિનિયર પોલીસ અધિકારીઓ સાથે બેઠકો કરી અમદાવાદમાં કરફયુ નાખી યાત્રા કેવી રીતે કાઢવી તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી હતી, પ્રતિ વર્ષ યાત્રામાં વીસ હજાર કરતા વધુ પોલીસની જરૂર હોય છે, પરંતુ પોલીસના પ્લાન પ્રમાણે પચ્ચીસ હજાર પોલીસને શહેરના ખુણે ખુણે ખડકી દેવામાં આવી હતી.

પોલીસે નક્કી કર્યા પ્રમાણે યાત્રામાં અખાડા, ટ્રકો, ગજરાજ, ભજન મંડળીઓ અને ભકતોની બાદબાકી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ માટે ચિંતાનો વિષય હતો કે કરફયુ હોવા છતાં યાત્રા અમદાવાદના ખાડીયા, દરિયાપુર અને શાહપુરમાંથી નિકળે ત્યારે કોટ વિસ્તારમાં પોળ હોવાને કારણે લોકો પોળના નાકે આવી જાય તો મુશ્કેલી થાય અને સંભાવના એવી પણ હતી કે લોકો દર્શન માટે યાત્રાને રોકવાનો પ્રયત્ન કરે, પોલીસની યોજના પ્રમાણ યાત્રા મંદિરથી નિકળે એટલે કયાંય રોકવાની ન્હોતી, યાત્રા સરસપુર મોસાળમાં દસ મિનિટનું રોકાણ કરી તરત પોતાની નિયત રૂટ ઉપર આગળ વધે, પોલીસે પોળના ભયસ્થાનને જોઈ પોલીસના નાકે અને પોળની અંદર પોલીસ ખડકી દીધી હતી, સાથે સ્થાનિક નેતાઓની મદદ લઈ ત્રણ દિવસથી લોકોને ઘરની અંદર જ રહેવા સમજાવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

આમ બધુ પ્લાનીંગ યોગ્ય હતું, પણ અષાઢીબીજના દિવસે પોલીસની ખરી પરિક્ષા હતી, યાત્રા નિયત સમય પ્રમાણે મંદિરમાંથી નિકળી હતી, આ દરમિયાન જરા પણ ગફલત થાય નહીં તે માટે યાત્રા મંદિરની હોવા છતાં સંપુર્ણ કબજો અમદાવાદ પોલીસે લઈ લીધો હતો. યાત્રાની ઝડપી આગળ વધે તેની પુરતી તકેદારી સાથે રહેલા પોલીસ અધિકારીઓ રાખી રહ્યા હતા. પોલીસ કમાન્ડ રૂમમાં બેઠેલા પોલીસ અધિકારીઓ યાત્રા ઉપર બારીક નજર રાખી રહ્યા હતા અને એક એક મિનીટની ગણતરી થઈ રહી હતી. પોલીસના આયોજન અને જાહેરાંત પ્રમાણે યાત્રા એક વાગે મંદિરમાં પરત ફરે એટલે બે વાગ્યા પછી અમદાવાદમાં કરફયુ મુકતી હતી, પણ પોલીસના આયોજન કરતા વધુ ઝડપ ફીલ્ડમાં રહેલા પોલીસ અધિકારીઓની હતી, તેમણે યાત્રાને સવારના 1051 મિનીટે જ મંદિર સુધી પરત લાવી દીધી હતી, આમ યાત્રા નિર્ધારીત સમય કરતા બે કલાક અને દસ મિનીટ વહેલી પરત ફરતા પ્રદિપસિંહ જાડેજા સહિત પોલીસ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, આખરે ઘરમાં બેસી સ્વંય શીસ્તમાં રહેનાર અમદાવાદીઓને પણ સલામ કરવી પડે કારણ તેઓ આસ્થાના નામે રસ્તા ઉપર આવવાને બદલે પોતાના ઘરમાં જ રહ્યા, યાત્રા વહેલી પરત ફરતા 11.30 વાગે પોલીસે કરફયુ પાછો ખેંચી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.