જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): આવતીકાલે કરફ્યુ સાથે જગતના નાથ નગરમાં નીકળવાના છે. જેની તડામાર તૈયારી મંદિર તરફથી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જમાલપુર શહેરમાં મુસ્લિમ સમુદાય છેલ્લા ૨૦ વર્ષોથી અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને ચાંદીનો રથ દાન કરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી રહ્યાં છે. આ વર્ષે પણ 144મી જગન્નાથ યાત્રા માટે મંદિરના મહંતને આજે ૨૧મો ચાંદીનો રથ ભેટ આપ્યો છે.
ચાંદીનો રથ ભેટ કરનાર રઉફ બંગાળીએ જણાવ્યું કે," અમે લોકો છેલ્લા ૨૦ વર્ષો ચાંદીનો રથ ભેટ કરી રહ્યા છીએ. કોમી એકતા જળવાઈ રહે તે માટે અમે ૨૦૦૦ની સાલથી ચાંદીનો રથ દાન કરતા આવ્યા છીએ. આ રથ આપવા માટેનો અમારો મુખ્ય ધ્યેય સમગ્ર રાજ્યમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતા જળવાઈ રહે અને વિકાસના કામોમાં બંને ધર્મના લોકો એકબીજાને સાથ સહકાર આપે તેવો છે."
ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક વખત કોમી રમખાણો થયા છે જેમાં મુખ્યત્વે હિન્દુ અને મુસ્લિમ ધર્મો વચ્ચે મોટા પ્રમાણમાં હિંસા પણ થઈ છે. તેવા સમયે આવા વ્યક્તિઓ આગળ આવીને અવાર નવાર બંને કોમની એકતા અને પ્રેમભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.