મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ન્યાયની દેવીને આંખે પટ્ટી હોય છે પરંતુ પોલીસ માટે ન્યાયના કાઠલા અલગ હોય છે. રામોલમાં નોંધાયેલી 11 કરોડની છેતરપીંડીની ફરિયાદને 4 મહિના થઈ ગયા હોવા છત્તાં પોતાને બાહોંશ પોલીસ અધિકારી ગણાવતા અધિકારીઓએ આ કેસના સૌથી નાના આરોપી પ્રફુલ જોષીને શરણે આવવાની ફરજ પાડી હતી. જે રીતે પ્રફુલ પોલીસ સ્ટેશન હાજર થયો તે જોતા સ્થાનિક પોલીસ અને તેમના સિનિયર્સ સામે શંકા ઊભી થાય તેવો વ્યવહાર રહ્યો છે. આ કેસના અન્ય આરોપીઓ બાપુનગરના નામાંકીત બિલ્ડર્સ છે. તેમની તરફ જોવાની હિંમત પણ આ અધિકારીઓ કરતાં નથી.

11 કરોડની જમીન મફતમાં પડાવી લેવા બાપુનગરના બિલ્ડર્સ કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારીઓએ કારસો રચી દસક્રોઈ મામલતદારની ઓફીસમાં ખેડૂતને રૂપિયા ભરેલા થેલા બતાડી કબૂલાત નામુ કરાવી લીધું હતું. જે પછી આરોપીઓ પોલીસનો ડર બતાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા.


 

 

 

 

 

 

આ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ વિરમ રબારી નામનો એક આરોપી પકડાઈ ગયો હોવા છત્તાં રામોલ પોલીસે તેને જવા દીધો હતો. જ્યારે અન્ય આરોપીઓની પોલીસ સ્ટેશનમાં જ અવરજવર હોવાના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે. આમ છત્તાં પોલીસના ચોપડે તેઓ વોન્ટેડ આરોપી છે. આરોપીઓ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી આગોતરા જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.

 

પરંતુ આ સમગ્ર પ્રકરણમાં ગોવિંદ નામના એક પોલીસ કર્મચારીનું હીત હોવાના કારણે આ વિસ્તારના સિનિયર પોલીસ અધિકારીઓ પ્રકરણનો ઢાંક-પીછોડો કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ કોન્સ્ટેબલ આરોપી થાય તેવી સ્થિતિ હોવાના કારણે અન્ય આરોપીઓને હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મળે તેવી પુરતી વ્યવસ્થા સ્થાનીક પોલીસે કરી આપી છે. 

પરંતુ કોર્ટમાં રાહત મળવામાં વિલંબ થશે તેવો અંદેશો આવતા લીટમસ ટેસ્ટ રૂપે આજે ગુરુવારના રોજ એક આરોપીને રામોલ પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો છે. જોકે આરોપી હાજર થાય તેમાં પોલીસની કોઈ બહાદુરી નથી, જે રામોલ પોલીસની અને તેના સિનિયર અધિકારીઓની કામગીરીને શંકાના દાયરામાં મુકે છે.