તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલ કોરોના વાઇરસ ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ આખા માટે ચિંતાનો વિષય છે. કોરોના વાઇરસ માટે હાલ સેનેટાઇઝર એક મોટા વિકલ્પ તરીકે જોવામાં આવે છે. છતાં રસ્તાઓ પર સેનેટાઇઝર ઉડાડવાની લોકડાઉન જેવી ઘેલછા નથી થતી, પરંતુ રેલવે એ કોરોનાના નામે એક સમાન સેનેટાઇઝ કરવાનો નવો ધંધો વિકસાવ્યો હોય તેવું જણાય છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રિકો પાસે યુવી લાઈટ વડે સામાન સેનેટાઇઝ કરવાના રૂપિયા લઈ આ કામ કરવામાં આવે છે.

અમદાવાદ રેલવે દ્વારા યાત્રિકોના સમાનને ફરજિયાત સેનેટાઈઝ કરવામાં આવે છે, પણ તેના માટે 10 રૂપિયા પ્રતિ બેગ ભાવ પણ વસુલાય છે અને આ કાર્ય ફરજીયાત હોઈ દરેક બેગ દીઠ કમાણી જોઈએ તો હજારો-લાખોમાં થાય છે. બુક બેગેજ.કોમ ઈન્ડિયા પ્રાઈવેટ લી.ના નામે અહીં બીલ સોંપવામાં આવે છે. હવે જ્યારે માણસ ખુદ પ્રવાસ કરતો હોય ત્યારે બેગ સેનેટાઈઝ કરવાથી કોરોના અટકી જાય ? બેગ કોરોના સંક્રમિત હોય તો શું માણસ ના હોય ? આ પ્રશ્ન એટલે ઉદભવે કેમકે માણસને કોઈ રીતે સેનેટાઈઝ નથી કરવામાં આવતા. તો શું કોરોના વાયરસ બેગમાં ચોંટી જતો હોય તો માણસના શરીર, કપડાં પર નહીં ચોંટતો હોય ?

વળી યુવી લાઈટથી સામાન સેનેટાઈઝ કરવાનું મશીન એરપોર્ટમાં હોય તેવા એક્સ રે મશીન જેવું દેખાય છે. આ મશીનમાં એક તરફથી બેગ નાખવામાં આવે બીજી તરફથી તુરંત સામાન નીકળી જાય. આટલા સમયમાં કોરોના વાઇરસ મરી જતો હશે ? અને મરતો પણ હોય તો આ સેવા મફત આપવી જોઈએ પરંતુ અહીં તો અલગ ચાર્જ વસૂલી કરવામાં આવે છે. તો શું કોરોનાના નામે રેલવે એ આ નવો ધંધો શોધ્યો ના કહેવાય ? કેમકે માણસો તો સેનેટાઈઝ થયા વગર જ ટ્રેનમાં જાય છે. વળી સામાન સેનેટાઈઝના રૂપિયા મેળવવામાં આવે છે. 

કદાચ કોરોનાથી જેટલી થઈ શકે એટલી સુરક્ષા રાખવાનો હેતુ હોય તો પણ સામાન અને માણસ બંનેને મફત સેનેટાઈઝ કરવા જોઈએ. પણ લોકોને અહીં રેલવેનો હેતુ સામાન સેનેટાઈઝ કરવા કરતાં બીજો કંઈક હોય તેવું લાગે છે.