જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાના કપરાકાળ દરમિયાન પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણના અનેક પ્રકારના  બનાવો પ્રકાશિત થયા હતા. રાજ્યમાં ગુનાખોરી આચરતા આરોપીઓની તાકાત હવે એટલી હદે વધી ગઈ છે કે આરોપીઓ પોલીસ પર હુમલો કરતા એક ક્ષણ પણ વિચાર કરતાં નથી. આજે અમદાવાદમાં આવાજ  ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. લોકોએ અહીં પોતાની નજરે પીએસઆઈની બહાદુરી અને આરોપીને પકડવા પોલીસે કેવી મહેનત કરવી પડે છે તેવું જોયું, આ એવું દૃષ્ય હતું જે તેઓ ફિલ્મોમાં જોતા હતા.

ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ પી જેબલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ગત મોડી રાત્રે ખાનગી વાહન પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે દસેક જેટલા ગુનામાં વોન્ટેડ હારુનશા ઉર્ફે હારુન બાવા અને સાહિલ ઉર્ફે મચ્છી અજમેરી નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર પર જીવરાજ બ્રિજથી શ્યામલ ચાર રસ્તા થઇને શિવરંજની ચાર રસ્તા તરફ નીકળવાના છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની વોચ ગોઠવી હતી.  

Advertisement


 

 

 

 

 

બાતમી આધારે આરોપી ત્યાંથી પસાર થતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.  આરોપીએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હારુનશાએ સાહિલ પાસે રહેલ છરો આપવા માટે કહ્યું હતું. સાહિલએ છરો આપતા જ હારુનશાએ પોલીસને ધમકી આપી હતી કે અમને પકડવાની કોશિશ કરી તો આ છરો મારી દઇશ  અને તેમ કરવામાં હું જરાય ખચકાઈશ નહિ. અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ છરો કાઢતા જ  પીએસઆઇ રિવોલ્વર કાઢી હતી. એટલામાં જ સાહિલ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જો કે હારુનશાને પોલીસએ ઝડપી લીધો હતો. 

સમગ્ર ઘટના શ્યામલ ચાર રસ્તા પર ચાલી રહી હતી ત્યારે ચાર રસ્તા પર સન્નાટો છવાઈ ગયો હતો અને લોકો પણ ગભરાઈ ગયા હતા. સમગ્ર   ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.