તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): સમગ્ર દેશમાં અને ખાસ કરીને મકરસંક્રાંતિના પર્વની ઉજવણી ચાલી રહી છે. જેમાં અમદાવાદની મકરસંક્રાંતિને તો દેશભરમાં વખાણવામાં આવે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર એક તરફ સરકારનો પતંગોત્સવ ચાલે છે તો બીજી તરફ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પતંગ ઉડાડી CAA અને NRC નો વિરોધ કરતા જોવા મળ્યા છે.

અમદાવાદમાં મહાત્મા ગાંધી સ્થાપિત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા આજે CAA અને NRC નો વિરોધ કરવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓએ મળીને "સંવિધાન બચાવો, દેશ બચાવો" અને "I Against CAA, No NRC No NPR" ના લખાણ છાપેલી પતંગો આકાશમાં ઉડાડી છે. વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં જ પતંગ ચગાવવાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રવિવારે નક્કી કરવામાં આવ્યો હતો. તેમજ આ પ્રકારના લખાણ છાપેલી 30 હજાર જેટલી પતંગ સમગ્ર અમદાવાદમાં ગુપ્ત રીતે વિતરણ કરી દેવામાં આવી હતી. સૂત્રો જણાવે છે કે જે લોકો આ પ્રકારની પતંગ આકાશમાં ચડાવશે તે તમામ લોકો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને વિરોધ પ્રદર્શન કરશે અને પોતાની પોસ્ટમાં #IagainstCAA હેશ ટેગ પણ કરવાના છે.

વિદ્યાર્થીઓ આ પ્રકારે પતંગ ચડાવી વિરોધ કરવાની માહિતી પોલીસ સુધી અગાઉથી જ પોલીસને મળી ગઈ હોવાથી વિદ્યાપીઠમાં પોલીસ વહેલી સવારથી જ પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા વિદ્યાપીઠમાં પ્રવેશતા વિદ્યાર્થીઓની પૂછપરછ અને ઓળખપત્ર માંગવામાં આવતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે રકઝક થઈ હતી. આ ચકમક ઝરતા પહેલાં પોલીસે વિદ્યાપીઠ કેમ્પસમાં પેટ્રોલીંગ કરી નિરીક્ષણ કર્યું હતું. એ દરમ્યાન પણ વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી થઈ હતી કે અમને શાંતિ પ્રિય રીતે વિરોધ કરતા રોકવાનો કોઈ અધિકાર પોલીસને નથી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા એવી પણ રજૂઆત કરાઈ હતી કે શું પોલીસને કેમ્પસમાં પ્રવેશ માટે વિદ્યાપીઠના જવાબદાર અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે કેમ. આ વીરોધોત્સવમાં જોડાયેલા વિદ્યાર્થીઓ જણાવે છે કે રાત્રે પણ એડમિનિસ્ટ્રેશનના ભુતપૂર્વ અધિકારી આવીને કાર્યક્રમ અટકાવવા દબાણ કરવા લાગ્યા હતા. તેમને નોકરી પરથી રિટાયરમેન્ટ પછી પણ કેમ વિદ્યાપીઠના કાર્યોમાં સાંકળવામાં આવે છે તેની બુમો પણ વિદ્યાર્થીઓ પાડી રહ્યા હતા. 

વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા સવારથી જ કેમ્પસમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નહોતો. તેમજ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ માટે આઈકાર્ડ બતાવી પ્રવેશ મળતો હતો. માટે ક્યાંકને ક્યાંક સત્તાધીશો પણ મૂંગા મોં એ આ કાર્યક્રમને સફળ બનતો અટકાવવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. પોલીસ અને વિદ્યર્થીઓ વચ્ચે થતી રકઝકમાં પોલીસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને જાણવાયું હતું કે પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ થતો અટકાવવા અહીં હજાર રહશે, કાર્યક્રમ રોકવા કે અટકાવવા માટેનો કોઈ પ્રયાસ નથી.  

આ કાર્યક્રમમાં હિસ્સો લેવા અને પતંગ મારફતે CAA, NRC નો વિરોધ વ્યક્ત કરવા સામાજીક કાર્યકર્તાઓ અને અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત બેંગ્લોરથી પણ એક વિદ્યાર્થી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ એ અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ બુક ને ટાંકીને જણાવ્યું હતું કે ૫ મી સદીથી અજમાવેલ ૧૭૮ પ્રયોગમાંનો એક પ્રયોગ પતંગ ચડાવી પ્રતિકારનો પ્રયોગ પણ છે જેની પ્રેરણાથી અમો એ આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે.