મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આજે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહત (GIDC)માં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણમાં પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા  સાંસદ સભ્ય કિરીટ સોલંકી અને એચ.એસ.પટેલ અને વટવા ઔદ્યોગિક વસાહત મંડળના પદાધિકારીઓ પણ જોડાયા હતા.ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસીસ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલીક રિએકટર ટેકનોલોજી સજ્જ આ પ્લાન્ટનો લાભ વટવા જી.આઇ.ડી.સી.ના ૭૦૦ જેટલા ઉદ્યોગોને મળશે. આ પ્રોજેક્ટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બની જશે.

મુખ્યમંત્રીએ આ ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીને કહ્યું કે, અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગગૃહોએ સાથે મળીને સહકારીતાના આધાર ઉપર દુષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્રોજેક્ટની સ્થાપના કરી છે તે અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં હંમેશા પર્યાવરણ રક્ષા સાથેના ઔદ્યોગિક અને સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતમાં આપણે સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થું ગંદા પાણીના શુદ્ધિકરણ અને રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર પોલિસી, ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી જેવા અભિગમ અપનાવી કલાઇમેટ ચેન્જ - ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ રક્ષા અને વાતાવરણ શુદ્ધિનો દેશને માર્ગ બતાવ્યો છે.તેમણે કહ્યું કે ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં સી.ઇ.ટી.પી.ને વેગ આપીને 750 થી વધુ એમ.એલ.ડી પાણીના શુધ્ધિકરણ ક્ષમતાના ૩પ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને ૧૯ જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે.