મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ નેતાઓ અમે તૈયાર છીએ, સજ્જ છીએ, ફલાણું ઢીમકું કરીને લોકોને આશ્વાસન તો આપતા રહ્યા પણ તેની પાછળ પાછળ તૈયારીઓને નામે ક્યાંકને ક્યાંક પોલું હતું જે હવે વાગવા લાગ્યું છે. હાલમાં જ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં પીપીઈ કીટ, માસ્ક અને વેન્ટીલેટર અહીં જ બને છે. જેથી ગુજરાતમાં તેની અછત નહીં થાય. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગનો તબીબી સ્ટાફ પીપીઈ કીટ અને માસ્કની માગણી સાથે હડતાળ પર ઉતરી આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાએ જે રીતે રોજીંદા એક પછી એક મોટી સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે જે જોઈને દેશ આખો અમદાવાદ પર અને મુંબઈ પર નજર રાખીને બેઠો છે. અહીં જે રીતે કેસના આંકડા વધી રહ્યા છે તો તેની સામે માત્ર સફાઈ કામદારો, પોલીસ અને તબીબી સ્ટાફ જેમને કોરોના વોરિયર્સ પણ હવે કહેવામાં આવે છે એ લોકો લડી રહ્યા છે અને એ પણ પોતાના જીવના જોખમે. તેમની સલામતી પણ હાલ એટલી જ જરૂરી છે. હાલમાં 100થી વધુ પોલીસ સ્ટાફ કોરોનાની ઝપેટે આવ્યો હતો આ ઉપરાંત 40થી વધુ તબીબી સ્ટાફ પણ, જેને પગલે હવે તેમની પણ સલામતી ક્યાંક જોખમાતી હોય તેમ લાગી રહ્યું છે.

પીપીઈ કીટ અને બીજી અન્ય સામગ્રીને મામલે તબીબી સ્ટાફમાં ઘણા સમયથી ખટરાગ હતો. ઉચ્ચ સ્થાને રજુઆતો બાદ પણ કોઈ રસ્તો ન નીકળતા તેઓએ આજે ન છૂટકે હડતાળનો રસ્તો અપનાવવો પડ્યો છે. સ્ટાફની હડતાળે ઉચ્ચ તંત્રને પણ હલાવી દીધું છે. તેમને હડતાળ સમેટવા સમજાવટ પણ કરવામાં આવી રહી છે.