પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના બહુ ચર્ચિત પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધુ ફીઝુ પટેલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે પોતાના પતિ અને સાસરિયા સહિત પોતાના પિતા સામે પણ દહેજ માટે શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ આપી છે. ફીઝુએ ફરિયાદમાં જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તે ઘટના 3 ઓગસ્ટની છે અને તેણે ફરિયાદ આપી છે 16 ઓગસ્ટના રોજ આપી હતી. આટલી મોડી ફરિયાદ આપવા પાછળનું કારણ એવું છે કે ફીઝુની માતા જાનકી પટેલ અને ફીઝુના સસરા રમણ પટેલ ઘરમેળે જ આ પ્રશ્નનો અંત આવે તેવી બેઠકો કરી રહ્યા હતા, પરંતુ ફીઝુની માતાએ સમાધાન પેટે જે રકમની માગણી કરી તે રકમ સાંભળતા જ અમદાવાદના ગર્ભ શ્રિમંતોના પગ પણ હલી જાય તેવી રકમ માગી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ફીઝુ અને તેના પતિ મૌનાંગ પટેલના પ્રેમ લગ્ન હતા. લગ્નનો સમયગાળો દસ વર્ષનો છે. તેમના લગ્ન જીવન દરમિયાન તેમને આઠ વર્ષની દીકરી પણ છે. ફીઝુએ પોતાના પતિ મૌનાંગ, સસરા રમણભાઈ, સાસુ મયુરિકા અને પોતાના પિતા મુકેશ પટેલને આરોપી દર્શાવી ફરિયાદ આપી છે, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકિકત સામે આવી છે જેને આ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી તે કાંઈક જુદી છે.

ફીઝુના માતા-પિતા એટલે કે મુકેશ પટેલ અને જાનકી પટેલ જેમની વચ્ચે છેલ્લા 25 વર્ષથી સંબંધો નથી અને તેઓ અલગ રહે છે. ફીઝુ પોતાની માતા જાનકી પાસે મોટી થઈ, મૌનાંગ સાથે પ્રેમ થયો અને લગ્ન થયા, આ તમામ પ્રસંગે અલગ રહેવા છતાં મુકેશ અને જાનકીએ માતા-પિતાની ભૂમિકા અદા કરી.

કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું શરૂ થતાં ફીઝુએ પોતાની માતાને પોતાના ઘરે બોલાવી લીધી હતી. છેલ્લા 4 મહિનાથી જાનકી પટેલ પોતાની પુત્રી સાથે એટલે કે રમણ પટેલના બંગલામાં જ રહેતા હતા. આ મુદ્દે ફિઝુ અને મૌનાંગ વચ્ચે ઠંડો ઝઘડો ચાલી રહ્યો હતો. જેનું કારણ એવું હતું કે, ફીઝુ અને તેની માતા જાનકી અલગ રૂમમાં રહેતા હતા જ્યારે મૌનાંગ અલગ રૂમમાં સુતો હતો. બનાવ બન્યો તે રાત્રે ઝઘડો મૌનાંગ અને જાનકીબેન વચ્ચે શરૂ થયો હતો. એ ઘટના સાચી છે કે, મૌનાંગએ ઉશકેરાટમાં આવી પોતાની સાસુને મારવા માટે હાથ ઉગામ્યો અને વચ્ચે ફીઝુ આવી ગઈ. જેમાં તેને ઈજા પહોંચી હતી.

આ ઘટના 3 ઓગસ્ટની છે, ફીઝુને સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પણ તેણે કોઈ પોલીસ ફરિયાદ કરી નહીં. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ ઘટના પછી રમણ પટેલ અને જાનકી પટેલ વચ્ચે આ પ્રશ્નના સમાધાન માટે ઘણી બેઠકો થઈ, પણ જાનકી પટેલે સમાધાન અને અલગ થવા પેટે રૂપિયા દોઢસો કરોડની માગણી કરી અને સમાધાન શક્ય બન્યું નહીં. આમ જાનકી પટેલે પોતાના છેલ્લા હથિયાર તરીકે પોલીસ ફરિયાદ નોંધાવડાવી દીધી. હવે મામલો કોર્ટાધીન છે, પરંતુ કેસની વિચિત્રતા એવી છે કે, ફીઝુએ નોંધાવેલી ફરિયાદમાં તેના સસરા અને પિતા બંને આરોપી છે આમ જો દોઢસો કરોડમાં મામલો પત્યો હોત તો પોલીસ ફરિયાદ ના થઈ હોત.