મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સામાન્ય માણસને એવું લાગે છે કે તેની પરેશાનીનું કારણ પૈસાનો અભાવ છે, પણ જેઓ ધનના ઢગલાઓ ઉપર બેઠા છે તેમની સમસ્યાઓ પણ જુદી છે. બહુ ચર્ચીત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સાક્ષી અમદાવાદના જાણિતા 'પોપ્યુલર બિલ્ડર્સ'ના માલીક રમણ પટેલ અને તેમના પરિજનો સામે તેમની જ પુત્રવધુએ દહેજની માગણીને કારણે શારીરિક અને માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

રમણ પટેલના પુત્ર મૌનાંગ પટેલી પત્ની ફીઝુ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તા. 3 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં આજે ફરિયાદ આપી છે કે, તા. 3 ઓગસ્ટના રોજ તેની દીકરીનો જન્મદિવસ હતો. જેની પાર્ટીના ભાગ રૂપે પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ફીઝુના પિતા મુકેશ પટેલ અને માતા જાનકી પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાત્રીના સાડા અગિયાર વાગ્યે પાર્ટી પુરી થયા પછી ફીઝુ પોતાની માતા જાનકી સાથે બેઠક રુમમાં વાતો કરી રહી હતી ત્યારે ફીઝુના સાસુ મયુરિકાબેનએ ફીઝુ અને તેની માતા જાનકી બહેનને મહેણાં મારવાની શરૂઆત કરી હતી કે તમે અમારા પૈસા જોઈને તમારી દીકરી પરણાવી છે. આ મુદ્દે મામલો તંગ બનતા મૌનાંગ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે ફીઝુ અને જાનકીબેનને માર મારવાની શરૂઆત કરી હતી. ફીઝુએ આરોપ મુક્યો છે કે આ ઝઘડા વખતે તેના પિતા મુકેશ પટેલ સાસરીવાળાને ઉશ્કેરી રહ્યા હતા અને પોતાના બચાવમાં આવ્યા ન્હોતા, આ ઘટનામાં ફીઝુ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને ફેક્ચર થયું હતું. જેની સારવાર તેણે સ્ટર્લીંગ હોસ્પિટલમાં કરાવી હતી.

ફીઝુએ ફરિયાદમાં પોતાના સસરા રમણ પટેલ ઉપર ગંભીર આરોપ મુક્તા જણાવ્યું છે કે, સસરા દારુ પીને તેનો હાથ પકડતા હતા. જે અંગે તેણે સાસુને ફરિયાદ કરી હોવા છતાં સાસુએ તેને મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનામાં ત્રણ મુખ્ય બાબત ઉલ્લેખનીય એવી છે કે, કુખ્યાત ગેંગસ્ટર સૌહરાબુદ્દીન કેસમાં રમણ પટેલ અને દશરથ પટેલ પહેલા આરોપી રહી ચુક્યા છે, જ્યારે આ મામલો સીબીઆઈને સોંપાયો ત્યારે તેઓ સીબીઆઈના સાક્ષી થઈ ગયા હતા. બીજી બાબત એ છે કે ફીઝુ અને મૌનાંગના પ્રેમ લગ્ન હતા પરંતુ બંને એક જ જ્ઞાતિના હોવાને કારણે સમાજના રિતરિવાજ મુજબ લગ્ન થયા હતા. જ્યારે ત્રીજી બાબત એવી છે કે ફીઝુના પિતા મુકેશ પટેલ અને માતા જાનકી પટેલ છેલ્લા 25 વર્ષથી અલગ રહે છે પરંતુ ફીઝુના સારા-માઠા પ્રસંગોમાં જ તેઓ ભેગા થતા હતા. પરંતુ દહેજની આ પ્રથમ ફરિયાદ એવી છે કે જેમાં દીકરીએ પોતાના જ પિતાને આરોપી તરીકે દર્શાવ્યા છે.