મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના બહુચર્ચિત અને હાઈ પ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધુએ પોતાના સાસરિયા અને પિતા સામે નોંધાવેલી ફરિયાદ બાદ અદાવાદ ગ્રામ્ય કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ફરિયાદી ફીઝુ પટેલના પતિ મૌનાંગ પટેલ અને સસરા રમણ પટેલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો જ્યારે ફીઝુના સાસુ મયુરિકા પટેલ અને ફીઝુના પિતા મુકેશ પટેલની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે.

તા 3 ઓગસ્ટના રોજ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા પોપ્યુલર બિલ્ડરના ઘરમાં ઘરેલુ હિંસાની ઘટના ઘટી હતી. તા. 16મી ઓગસ્ટના રોજ વસ્ત્રાપુર પોલીસમાં ફીઝુ પટેલે ફરિયાદ આપી હતી કે, તેને ઘરમાં તેના પતિ મૌનાંગ પટેલ, સસરા રમણ પટેલ, સાસુ મયુરિકા પટેલ દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે ખુદ તેના પિતા મુકેશ પટેલ સાસરીવાળાની ચઢવણી પણ કરતા હતા. ફીઝુએ પોતાની હત્ચાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ પણ આ ફરિયાદમાં મુકાયો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

આ આરોપીઓ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.  જેમાં ચાર પૈકીના બે આરોપીને રાહત મળી છે જ્યારે બે આરોપીની મુશ્કેલી યથાવત રહી છે.