પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેના પુત્ર મૌનાંગ પટેલ સામે તેમની પુત્રવધુ ફીઝુએ નોંધાવેલી ફરિયાદ બાદ તેઓ જેલમાં છે. ત્યાર બાદ રમણ પટેલના ભાઈ દશરથ પટેલ અને તેમના પુત્ર વિરેન્દ્ર પટેલ પણ ફીઝુ પટેલને ધમકાવવાના મુદ્દે જેલમાં ગયા છે. હવે ઘરમાં રહેલા અન્ય ત્રણ પુરુષ સભ્યો સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ આવી છે. જો આ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય તો પોપ્યુલર બિલ્ડરના વધુ ત્રણ માલિકોની ધરપકડ થાય.

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં રહેતા રાહુલ સોનીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં આરોપ મુક્યો છે કે, પ્રથમેશ પટેલ સાથે તેમણે પોતાની જમીન અંગે રૂપિયા 63 લાખમાં બાનાખત કર્યો હતો. ત્યાર બાદ પ્રથમેશ અને તેમના ભાઈ વિક્રમ,  ક્રિનેશ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો એપ્રિલ 2018માં હથિયારબંધ થઈ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. આ ત્રણેય લોકોએ તેમને માર માર્યો હતો અને નોટરીના ચોપડામાં સહી સિક્કા કરાવી બાનાખત રદ્દ થયું છે તેવું લખાણ લખાવી લીધું હતું.

બાનાખત રદ્દનો બનાવ થયાના વર્ષ પછી પ્રથમેશ તેની પાસે આવ્યો હતો અને અગાઉ જે બન્યું તે અંગે દીલગીરી વ્યક્ત કરી અને 60 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બેન્કમાં પડતા અપુરતા બેલેન્સને કારણે બાઉન્સ થયો હતો. જ્યારે રાહુલે આ પૈસાની માગણી કરી ત્યારે તેને મારી નાખવાની ધમકી આપી હોવાો તેણે આરોપ કર્યો છે. સેટેલાઈટ પોલીસે આ અરજી નોંધી તેની તપાસ શરૂ કરી છે. જો આ મામલે ગુનો નોંધાય તો પોપ્યુલર બિલ્ડરના માલિક પ્રથમેશ છગનભાઈ પટેલ, વિક્રમ છગનભાઈ પટેલ અને ક્રિનેશ નટુભાઈ પટેલને જેલમાં જવાનો વખત આવશે. અગાઉ પોપ્યુલર બિલ્ડરના ચાર માલિકો જેલમાં છે અને વધુ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ શકે તેમ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ગેંગસ્ટર સૌહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં રમણ અને દશરથ પટેલે આપેલી જુબાનીને કારણે એડીસી ચેરમેન અજય પટેલ અને ડીરેક્ટર યશપાલ ચુડાસમાને લાંબો સમય ભાગતા ફરવું પડ્યું હતું. જ્યારે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને લાંબો સમય જેલમાં રહેવું પડ્યું હતું.