પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના સોલા વિસ્તારમાં થોડા દિવસ પહેલા પાંચ-દસ છોકરાઓએ મળી એક પોલીસ જવાનને ખુબ માર્યો, જાહેર રસ્તા પર બનેલી આ ઘટના હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસનો દાવો હતો કે માસ્ક વગર ટોળે વળી બેઠેલા શખ્સોને ટોકતા તેઓ નારાજ થયા અને તેમણે પોલીસ જવાન પર હુમલો કર્યો. પોલીસને મારનાર યુવકોનો દાવો હતો કે પોલીસ જવાન દારુના નશામાં હતો. આ ઘટનાના રિપોર્ટિં વખતે મેં કહ્યું હતું કે આ ચલાવી શકાય નહીં.

સ્ટોરી પ્રસિદ્ધ થયા પછી અનેક મિત્રોએ કોમેન્ટ કરી અને કહ્યું કે પોલીસ સાથે જે થયું તે બરાબર છે, મારા એક અંગત મિત્રએ કે જે નિસબતના માણસ છે તેમનો મત પણ એવો હતો કે, પોલીસ સાથે સહાનુભૂતિ દાખવી શકાય નહીં. મારી સ્ટોરી અનુસાર માત્ર પોલીસ સાથે જ નહીં, પણ કોઈપણ નાગરિક સાથે આવો વ્યવહાર થાય તે યોગ્ય નથી અને ચલાવી શકાય નહીં. જોકે સમાજનો એક મોટો વર્ગ આ ઘટનાનું સમર્થન કરતો હતો અને અનેક માધ્યમોએ લોકો જેવું માને છે તેવો જ પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો.


 

 

 

 

 

મારા સંવેદનશિલ મિત્રનો મત હતો કે પોલીસનો વ્યવહાર લોકો સાથે સારો હોતો નથી માટે પોલીસ સાથે જે કાંઈ થયું તે યોગ્ય હતું, પણ મારો વ્યક્તિગત અનુભવ કાંઈક જુદો છે. જેમ જીંદગીભર જેમને મુસ્લીમો સાથે મિત્રતા નથી અને મુસ્લીમો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર થયો નથી તેવા લોકો પણ એવું માને છે કે મુસ્લીમો ભરોસા લાયક નથી તેવી જ સ્થિતિ પોલીસની પણ છે. આપણાં મનમાં અનેક બાબતો એવી હોય છે કે જે સ્વાનુભવની હોય છે તેના કરતાં અનેક ઘણી એવી બાબત હોય છે કે જે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને તેને આપણે સાચી માનીએ છીએ.

પોલીસ, મુસ્લીમ અને દલિતના મામલામાં કાંઈક આવું જ છે. જેમને જીવનમાં કોઈપણ દિવસ પોલીસ સ્ટેશનનું પગથિયું પણ ચઢવું પડ્યું નથી અને રસ્તામાં ક્યારેય તેમને પોલીસે ક્યાંય રોક્યા પણ નથી તેવા લોકો પણ એવું માને છે કે પોલીસ પર ભરોસો મુકી શકાય નહીં. મારી વ્યક્તિગત વાત કરું તો પણ મારા પિતા એક સરકારી નોકર હતા. દસથી છની નોકરી કરતાં, એએમટીએસ બસમાં ફરતાં અને તેમને પાસપોર્ટ સુદ્ધા કઢાવ્યો ન્હોતો. આમ તેમના જીંદગીના પહેલાથી છેલ્લા દિવસ સુધી તેમને પોલીસની ક્યારેય જરૂર પડી ન્હોતી. છતાં તેઓ મને કાયમ કહેતા કે પોલીસથી દુર રહેજે.

આપણું જે શિક્ષણ થાય છે તેમાં બાળપણથી આપણા બાળકને આપણે કહીએ છીએ કે સુઈજા નહીં તો પોલીસ આવશે. તોફાન કરીશ તો પોલીસ પકડી જશે. બાળ માનસમાં પડેલી પોલીસ અંગેની આ છાપ સમય જતાં આપણી આસપાસના લોકો વધુ ઘાટી બનાવી દે છે. પોલીસમાં બધા ઉત્તમ માણસો છે તેવું પણ નથી, પણ બધી પોલીસ ખરાબ પણ નથી. છતાં માઠા સમાચાર જેમ જલ્દી મળે છે અને સારી ઘટનાઓ ગર્ભમાં છૂપાયેલી રહે છે. થોડા ખરાબ લોકોને કારણે સમગ્ર કોમને દોષ દઈ શકાય નહીં તેમ થોડા પોલીસવાળાઓની ભૂમિકાને કારણે સમગ્ર પોલીસને દોષિત ઠેરવી શકાય નહીં.

આપણે જ્યારે ઘરમાં નિરાંતે ઉંઘીએ છીએ ત્યારે આપણને ખબર હોય છે કે પોલીસ રાત્રે જાગી રહી છે. આપણે નિરાતે રસ્તા પર ફરી શકીએ છીએ કારણ કે ચોર લૂંટારૂને ખબર છે કે રસ્તા પર પોલીસ ફરે છે, પણ મજાની વાત તો એવી છે કે, મનમાં તો બધા જ પોલીસને ધિક્કારે છે પરંતુ જો પોલીસ તેમનો મિત્ર હોય તો તેમને ગમે છે. એમ આપણા મનમાં પોલીસ માટેના બેવડા ધોરણો છે જેને આપણે એક વખત ખંખેરીને જોઈ લેવાની જરૂર છે.

(સહાભારઃ ગુજરાતમિત્ર)