દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યારે પોલીસનું કામ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા લોકોને અટકાવવાનું છે એવામાં અમદાવાદમાં પોલીસ જ દારૂ વેચતી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમસિંહ ઈશ્વરસિંહ વાઘેલા શાહીબાગ પોલીસ સ્ટેશન પાછળ માધુપુરા પોલીસ લાઈનના મેદાનમાં પોતાની ગાડીમાં ૧૫૨ જેટલી દારૂની બોટલ સાથે પકડાયા છે. (અગાઉનો વાયર થયેલો વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ મૂળ ચાંદખેડાના રહેવાસી છે. વિક્રમસિંહ શાહીબાગ પોલીસ સ્ટેડિયમ પાછળ આવેલા માધુપુરા પોલીસ લાઇનના મેદાનમાં પોતાની ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની ૧૫૨ જેટલી દારૂની બોટલો સાથે દારૂ વેચતા પકડાયા હતા. પોલીસની ટીમને કંટ્રોલ રૂમથી મેસેજ મળતાં તેમણે માધુપુરા પોલીસ લાઈનના મેદાનમાં પહોચ્યા અને વિક્રમસિંહની ધરપકડ કરી.

Advertisement


 

 

 

 

 

પોલીસે દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની ૧૫૨ જેટલી બોટલ, સ્વીફટ ડિઝાયર ગાડી, એક મોબાઈલ, અને રોકડ રકમ રૂપિયા ૨૦૮૦ એમ કુલ રૂપિયા ૪,૫૧,૨૮૦ નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

વિક્રમસિંહ એટલે એ જ પોલીસ કર્મી જેણે કોરોના કાળ દરમિયાન એક યુવતીને કોરોનાની ગાઈડલાઈન ફોલો ન કરવાં બાબતે જાહેરમાં લાફો મારી લીધો હતો. આ ઘટના નો વિડિયો ખૂબ વાયરલ થયો હતો અને આ જ કારણ થી વિક્રમસિંહને તેમની ફરજ માંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. લગભગ ચાર મહિના જેટલો સમય સસ્પેન્ડ રહ્યા બાદ એક મહિના પૂર્વે જ તેમને ફરજ પર પરત લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોનાની ગાઈડલાઈન બાબતે એક યુવતીને લાફો મારી દીધો અને પોતે દારૂનો ધંધો કરે છે. બધા નિયમો અને કાયદા સામાન્ય પ્રજા માટે જ છે? પોલીસ, અધિકારીઓ અને નેતાઓ આ બધા નિયમો અને કાયદા માંથી બાકાત છે?

અગાઉ વાયરલ થયેલો વીડિયો