રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ):  દૈનિક અખબારમાં [1 એપ્રિલ, 2020] પાંચ ફોટાઓ પ્રસિધ્ધ થયા છે; જેમાં પોલીસ અમદાવાદ શહેરમાં, લોકડાઉનનો ભંગ કરનાર ફેરિયાની શાકભાજીની રેંકડીઓ ઊંધી વાળે છે. સોશિયલ મીડિયામાં રેંકડી ઊંધી વાળતા અને રેંકડી ઉપર લાઠીચાર્જ કરતા પોલીસનો વીડિયો ફરી રહ્યો છે. આ લાઠીચાર્જનો માર નિર્જીવ રેંકડીને થોડો લાગે? આ માર તો તેમના નાના બાળકો ઉપર પડે છે ! અમદાવાદના CP એ  અકળાઈને, એ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજમોકૂફ કરી દીધા ! લોકડાઉનનો અમલ કરાવવા માટે દેશભરમાં પોલીસ ગરીબ નાગરિકોને ઠમઠોરી રહી છે !

આપત્તિના સમયે પોલીસ રાતદિવસ ફરજ ઉપર હોય છે. કોરોના વાયરસ જે તે વ્યક્તિને ઝપટમાં લે છે; ઉપરાંત તેના સંપર્કમાં આવનારાઓનો પણ ભોગ લે છે. આ કારણસર લોકડાઉનનો કડક અમલ થાય તે આવશ્યક છે. પોલીસ શિસ્તમાં રહેવા ટેવાયેલી હોય છે; જ્યારે તેની નજર સામે લોકો અશિસ્ત આચરે ત્યારે એના મગજનો બાટલો ફાટી જાય છે; રેંકડીઓ ઊંધી વાળે છે. આપત્તિના સમયે પોલીસે કઈ રીતે લોકો સાથે વ્યવહાર કરવો તે અંગે સીનિયર પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ માર્ગદર્શન/સૂચનાઓ આપવી જોઈએ. આ પ્રકારની સ્થિતિ 200 વર્ષમાં એકાદ વખત આવતી હોય છે. પોલીસ કમિશ્નર ટી-મીટિંગ કરતા હોય છે; ત્યારે સૂચનાઓ આપી હોત તો ગરીબ ફેરિયાઓની રેંકડીઓ ઊંધી વળી ન હોત ! 

પોલીસમાં એક ભયંકર રોગ છે. કોઈ અપ્રિય ઘટના બને એટલે નીચેના અધિકારીઓને ફરજમોકૂફ કરવામાં આવે છે; ભાગ્યે જ સીનિયર/સુપરવાઈઝરી અધિકારીઓ સામે પગલાં ભરાય છે ! પોલીસને તાલીમ આપતી ગુજરાતમાં ચાર વિશાળ સંસ્થાઓ છે : કરાઈ પોલીસ એકેડમી/પોલીસ ટ્રેઈનિગ સ્કૂલ, વડોદરા/પોલીસ ટ્રેઈનિંગ કોલેજ, જૂનાગઢ અને ચોકી SRP ટ્રેઈનિંગ સેન્ટર. આ ચારેય ટ્રેનિંગ સંસ્થામાં Willingness હોય તેવા અધિકારીને મૂકવામાં આવતા નથી; પરંતુ પોલીસ અધિકારીઓને પનિશમેન્ટ કરવા માટે મૂકવામાં આવે છે. જેને પનિશમેન્ટ પોસ્ટિંગ કહેવાય છે. જ્યાં પોલીસની તાલીમ સંસ્થાઓમાં રેંકડીઓ ઊંધી કરનારાઓને/ગડબડ કરનારાઓને/તુમાખી કરનારાઓને/ફળદ્રુપ ભ્રષ્ટાચાર કરનારાઓને મૂકવામાં આવે; ત્યારે ત્યાં નવા પોલીસને નકારાત્મક તાલીમ મળે છે. કૂવામાં હોય તેવું હવાડામાં આવે; તે કહેવતમાં ભારોભાર સત્ય છૂપાયેલું છે. આશા રાખીએ કે ગરીબ નાગરિકોના માનવગૌરવ માટે તંત્રની આંખો ખૂલશે