દેવલ જાદવ (મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ): અમદાવાદમાં દીવાળી પૂર્વે ઘાટલોડીયા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના સામે આવી હતી. હવે આજે સાબરમતી વિસ્તારમા ફરી એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. આ અવાર નવાર બનતી આ ઘટનાઓ શહેરમાં સિનિયર સિટિઝનની સુરક્ષા અને સલામતી ઉપર પ્રશ્નો ઊભા કરે છે.

સાબરમતી વિસ્તારમાં ઠાકોર વાસમાં રહેતા 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટિઝનની લાશ મળી આવી હતી ત્યાર બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દેવેન્દ્રભાઈ પાસેથી મોબાઈલ, સોનાની ચેઈન અને બાઈકની ચોરી થઈ હતી. પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે આ હત્યા પણ લૂંટના ઈરાદાથી કરવામાં આવી છે.

ઘટના એવી હતી કે, દેવેન્દ્રભાઈને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તેમને સોનાના દાગીનાની ખરીદી કરવી છે એટલે તમે સાથે આવો. જ્યારે દેવેન્દ્રભાઈ તે વ્યક્તિ સાથે ખરીદી કરવા ગયા ત્યારે તેણે દેવેન્દ્રભાઈની તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારીને હત્યા કરી હતી. આ વાતની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાના શંકાના આધારે તપાસ શરુ કરી છે.

આ અંગે દેવેન્દ્રભાઈના પત્ની ગીતાબેને પોલીસને જણાવ્યું હતું કે, ફોન કરવા વાળી વ્યક્તિને તેમને ઓળખતા નથી. જેના કારણે અજાણ્યા વ્યક્તિના નામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરમતી પોલીસ ઈન્સ્પેકટર આર.એસ.ઠાકર આ કેસમાં આગળની તપાસ સાંભળી રહ્યા છે.