મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ જુના વાડજ વિસ્તારમાં બુટલેગરે પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હોવાની ઘટના બની છે. બુટલેગરે ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં રાખી જાહેર રોડ પર એક્ટિવા પર ફર્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસ બુટલેગરને પોલીસ સ્ટેશન લઈ આવી હતી જેમાં બુટલેગરે પોલીસને ન બોલવાના શબ્દો બોલ્યા હતા, ગાળાગાળી અને ધમકી આપી હતી. રિવોલ્વર માંગી લાવ એક બે ને પાડી દવ, તારામાં હિંમત નથી તેમ કહ્યું હતું. વાડજ પોલીસે બુટલેગર ઉમેશ બચાણી સામે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી કરી છે.

મળતી માહિતી પ્રમાણે વાડજ પોલીસે બાતમીના આધારે ઉમેશ બચાણીની પ્રોહિબિશનના કેસમાં અટકાયત કરી હતી. ડી સ્ટાફની ઓફિસમાં પોલીસ કાગળની કામગીરી કરી રહી હતી, ત્યારે અચાનક જ આરોપી ઉમેશ આવેશમાં આવી ગયો હતો.

ઉમેશે પોલીસને ધમકી આપી હતી કે તે બધા પોલીસવાળાને જોઈ લેશે. ઉમેશ અનેક ગુનામાં સંડાવોયેલો છે. ઉમેશે પોલીસને એવી પણ ધમકી આપી હતી કે, એકલા હશો ત્યારે તે એક એકને જીવથી મારી નાખશે. આરોપીએ ભગવાન પાટિલ નામના પોલીસકર્મીને કહ્યું કે,"તને તો નહીં જ છોડું." આરોપી આટલેથી અટક્યો ન હતો અને એક પિસ્ટલ ધરાવતા પોલીસકર્મીને કહ્યુ હતુ કે, "લાવ તારી પિસ્ટલ, એક બે ગોળી મારીને પાડી દવ. તારી પાસે બંદૂક છે પણ હિંમત નથી. પોલીસ વાળા હીજડા અને પૈસા ખાવા વાળા છે."

પોલીસ સ્ટેશનમાં જ આવી ધમાલ બાદ ચારથી પાંચ પોલીસકર્મીએ આરોપીને પકડી લીધો હતો, આ દરમિયાન ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન ઉમેશના નાકના ભાગે ખુરશી વાગ ગઈ હતી. બાદમાં પોલીસે તેને લોકઅપમાં પૂરી દેવાનું કહ્યું હતું. આરોપી ઉમેશે લોકઅપની વાત સાંભળતા જ કહ્યુ હતુ કે, "મને લોકઅપમાં પૂરશો તો આખી રાત માથા પછાડીશ અને કોર્ટમાં ફરિયાદ કરીશ. અલગ અલગ અરજી કરીને પોલીસને ફીટ કરી દઈશ." પોલીસે આ મામલે આરોપી ઉમેશ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.