મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતો હૃતિક અરવિંદ પરમારને મારામારીના કેસમાં ઈસનપુર પોલીસે પકડ્યો હતો અને શાહપુરમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેની તબીયત લથડતાં તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક સગીરના પરિવારનો આરોપ હતો કે, ઈસનપુર પોલીસના કારણે તેમના દિકરાનું મોત નિપજ્યું હતું. આ મામલે આજે મૃતકના પરિવારે સેક્ટર ટુના એડિશનલ પોલીસ કમિશનર ગૌતમ પરમાર સમક્ષ રજૂઆત કરતાં તેમણે આ મામલે એક એસઆઈટી (ખાસ તપાસ દળ)ની રચના કરી તથ્ય સુધી પહોંચવાની ખાતરી આપી છે.

ઈસનપુર પોલીસે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપેલા હૃતિકની તબીયત તા. 27 ઓક્ટોબરના રોજ બગડતા તેની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

હૃતિકના મોતને લઈ પરિવારને શંકા છે કે, ઈસનપુર પોલીસે હૃતિક સાથે થર્ડ ડીગ્રીનો પ્રયોગ કર્યો જેમાં તેને થયેલી ઈજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. પરિવારની માગણી હતી કે, આ માટે જવાબદાર ઈસનપુર પોલીસ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ.

મૃતકના પરિવારની રજૂઆત સાંભળ્યા બાદ ડીઆઈજી પરમારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે ચર્ચા કરી આ મામલો એસઆઈટીને સોંપી દીધો છે. હવે આ મામલાની તપાસ એસઆઈટીના ઈન્વેસ્ટીગેટિંગ ઓફિસર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જે એલ ચૌહાણ સંભાળશે. જેના સભ્ય તરીકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર પી કે ગોહીલ, મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ માતમભાઈ અને કાગડાપીઠના કોન્સ્ટેબલ રાકેશભાઈ બાભણીયા સભ્ય તરીકે રહેશે. આ સમગ્ર તપાસનું સુપરવિઝન ડીઆઈજી ગૌતમ પરમાર પોતે કરશે.