મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): ગુજરાત સરકારે થોડા દિવસ અગાઉ જ જાહેર કર્યું હતું કે, હાલ કોરોના મહામારીના સમય દરમિયાન ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કોઈપણ પ્રકારનો દંડ નાગરિકો પાસેથી વસૂલવામાં નહીં આવે. પોલીસ ફક્ત કોરોનાને લગતી ગાઈડલાઈન્સ પ્રમાણે અને માસ્કન દંડ લેશે, ત્યારે નાગરિકોમાં એક પ્રકારની હાશ!ની લાગણી અનુભવાઈ હતી, કારણ કે આરટીઓના ધરમધક્કા અને લાંબી લાઈનોથી છૂટકારો હતો, પરંતુ આજે અમદાવાદમાં H.L. કોલેજની પાસે અમદાવાદ ટ્રાફિક કંટ્રોલ વિભાગની ટીમ દ્વારા નાગરિકો પાસેથી જૂના પેન્ડિંગ મેમાનો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો હતો.

ફરજ પર હાજર રહેલા ASI જયપાલ પટેલના જણાવ્યા મુજબ “આ કોઈ નવો દંડ ઉઘરાવવામાં આવતો નથી. જે વાહનનો એક કે એકથી વધારે મેમો પેન્ડિંગ હોય તેમને જાણ કરવામાં આવે છે અને વાહન ધારક ઇચ્છે તો સ્થળ પર પણ રોકડ દંડ ભરીને અથવા ફરજ પરના પોલીસકર્મીના પર્સનલ એકાઉન્ટમાં ઓનલાઈન પેમેન્ટ કરીને પણ કાયદેસરની પાવતી મેળવી શકે છે.”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો પાસે અત્યારે સ્થળ પર પૈસા ભરવાની સગવડ ન હોય તેઓને અમે નોટિસ આપીને સમજાવીએ છીએ કે, મેમો 10 દિવસમાં ભરી દેવો, નહીંતર RTO વિભાગ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેઓ લોકોને એ પણ સમજાવી રહ્યા છે કે, એક કરતાં વધુ મેમો પેન્ડિંગ હોય તો થોડાં થોડાં કરીને પણ ઓનલાઇન ભરી શકાય છે અને ટ્રાફિક કંટ્રોલ વિભાગની બે અલગ અલગ ટીમ દ્વારા અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી આવી ડ્રાઈવ ચાલી રહી છે. અમદાવાદના ટ્રાફિક DCP તેજસ પટેલે પણ આ વાતની પૃષ્ટિ કરી છે.


 

 

 

 

 

નાગરિકોને મેરાન્યૂઝની અપીલ

આપણે સૌ એક મહામારીનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સરકારે આપણને ટ્રાફિકના નિયમોનો દંડ ભરવામાંથી રાહત આપી છે. એનો મતલબ એવો નથી કે, આપણે ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરીએ. આખરે ટ્રાફિકના નિયમો આપણી સેફ્ટી અને સુવિધા માટે જ છે. જાગૃત નાગરિક તરીકે ટ્રાફિકના નિયમો પાળીએ અને આ મહામારીના સમયમાં અકસ્માતો થતાં અટકાવીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.