મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં કોરોનાની સ્થિતિમાં સરકારે કેટલાક નિયમો જાહેર કર્યા છે અને આ ગાઈડલાઈન્સ બહાર જઈ વર્તણૂંકર કરવા બદલ તે પ્રમાણે દંડ સહિતની જોગવાઈઓ કરી છે. સરકારની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી એક બસમાં વધુ પેસેન્જર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરાતા તે બસના કંડક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે નોંધેલી આ ફરિયાદ ગુજરાતની પહેલી ઘટના છે કે જેમાં પેસેન્જર વધુ હોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થવાને કારણે એસટી નિગમની બસના કન્ડક્ટર સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય.

રાધનપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. બનાસકાંઠા અમરગઢ ખાતેથી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી કે હાલમાં એક સરકારી એસટી બસ કે જેનો નંબર જીજે 18 ઝેડ. 6173 છે તે થરાથી નીકળી છે અને તેમાં કેપેસિટીથી વધુ પેસેન્જર બેસાડ્યા છે. ઉપરાંત બસમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિય્મોનો ભંગ થાય છે. આ એસટી બસ રાધનપુર જવા નિકળી હતી. પોલીસે કંટ્રોલ રૂમ થકી જાણ થતાં તુરંત એક્શન શરૂ કરી.

જાણકારી મળ્યાની સાથે પોલીસ રાધનપુર એસટી ડેપો પર પહોંચી ગઈ અને વોચ ગોઠવી. દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આ બસ ડેપોમાં આવી. પોલીસે તેના રૂટના બોર્ડ પર નજર કરી, તે અંબાજીથી નારણ સરોવરનું હતું. પોલીસ બસના કંડક્ટરની નજીક ગઈ અને નામ પુછ્યું કંડક્ટરે પોતાનું નામ જશુભાઈ સરદારભાઈ ખાંટ (ઉં. 43) હોવાનું જણાવ્યું. પોલીસની પુછપરછમાં તે ડીસા ડેપો ખાતે નોકરી કરતાં અને પાલનપુર બનાસકાંઠાના રહેવાસી હોવાનું જણાવ્યું. પોલીસે કંડક્ટરને એક તરફ પોતાની સાથે રાખ્યા અને બસમાં બેસેલા મુસાફરોને એક એક ગણવાના શરૂ કર્યા. પોલીસને માલુમ થયું કે બસમાં કુલ 51 મુસાફરો હતા.

આ 51 પૈકીના 39 રિઝર્વેશનના પેસેન્જર હતા તે સિવાય રૂટમાં આવતા સ્ટોપ પરથી બેસાડેલા પણ હતા. પોલીસની કાર્યવાહીને પગલે ત્યાં રાધનપુર એસટી ડેપોના એટીઆઈ રસુલભાઈ રાજેભાઈ આગલોડિયા આ કાર્યવાહી દરમિયાન આવ્યા હતા. તેમને સરકારની ગાઈડલાઈન્સ અંગે પુછ્યું તો તેઓએ કહ્યું કે ક્ષમતાથી 75 ટકા પેસેન્જર લેવાના હોય છે. પોલીસે પેસેન્જર્સની ખરાઈ પણ તેમની પાસે કરાવી તો કુલ 51 મુસાફરો હતા. નીયમ મુજબના 75 ટકા લેખે 39 પેસેન્જર કંડક્ટર દ્વારા લેવાના હોય પણ તેનાથી પેસેન્જર વધુ હતા. રાત્રીના સવા અગિયાર વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલી અને આખરે બસના કંડક્ટર જશુ ખાંટ સામે પોલીસે એફઆઈઆર નોંધી હતી.

રાધનપુરના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ કાથુજી દ્વારા આ સંદર્ભમાં ફરિયાદી બની એફઆઈઆર નોંધાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતની આ પહેલી ઘટના છે જેમાં પોલીસે એક સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસના કંડક્ટર સામે બસમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડવા અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ ફરિયાદ કરી હોય.